ટોક્યો-

મહાન ટેનિસ સ્ટાર રોજર ફેડરર ભલે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લઈ શક્યો ન હોય, પરંતુ સ્વિટ્‌ઝર્લૅન્ડની ટેનિસ કોર્ટમાંથી ખુશી મળી છે. સ્વિટ્‌ઝર્લૅન્ડની મહિલા ટેનિસ સ્ટાર બેલિન્ડા બેન્સિક ઓલિમ્પિક ચેમ્પિયન બની છે. બેન્સીકે શનિવાર, ૩૧ જુલાઈએ મહિલા સિંગલ્સની ફાઇનલમાં ચેક રિપબ્લિકની માર્કેટા વોન્ડ્રૂસોવાને ૭-૫, ૨-૬, ૬-૩ થી હરાવીને તેનું પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ જીત્યું હતું. આ સાથે તેણે ઈતિહાસ પણ રચ્યો. સ્વિટ્‌ઝરલેન્ડના ઈતિહાસમાં ઓલિમ્પિક ગોલ્ડ જીતનાર તે પ્રથમ મહિલા ટેનિસ ખેલાડી બની. આ ઇવેન્ટનો બ્રોન્ઝ મેડલ યુક્રેનની એલિના સ્વિટોલીનાએ જીત્યો હતો.

બારમી ક્રમાંકિત બેન્સીકે ફાઇનલનો પહેલો સેટ ૭-૫ થી કઠિન લડત બાદ જીતી. આ દરમિયાન બંને ખેલાડીઓએ જબરદસ્ત રમત બતાવી અને સરળતાથી હાર ન માની. જોકે બીજા સેટમાં ચેકે શાનદાર વાપસી કરી હતી અને સરળતાથી બેન્ચિચને ૬-૨ થી પાછળ છોડી દીધો હતો. બેન્ચિચે ત્રીજા અને અંતિમ સેટમાં આનો હિસાબ આપ્યો અને ખૂબ મુશ્કેલી વગર ૬-૩ થી જીતીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. ૨૪ વર્ષીય બેન્ચિચની કારકિર્દીનું આ પ્રથમ મુખ્ય ખિતાબ છે.