દિલ્હી-

આવતીકાલે દિલ્હીમાં BJPના રાષ્ટ્રીય અધિકારીઓની એક મોટી બેઠક યોજાનાર છે. NDMC કન્વેશન સેન્ટર ખાતે યોજાનારી આ બેઠક આવતીકાલે સવારે 10થી સાંજના 5 વાગ્યા દરમિયાન ચાલશે. આ બેઠકમાં પક્ષના આંતરિક મુદ્દાઓથી લઈને દેશના મોટા મુદ્દાઓની ચર્ચા થશે.

જેપી નડ્ડા બેઠકની અધ્યક્ષતા કરશે

બેઠકમાં આવતા અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ અત્યાર સુધીની સંગઠનાત્મક પ્રવૃત્તિઓની તમામ માહિતી એકઠી કરીને તેઓ બેઠકમાં પહોંચે. આ બેઠકની અધ્યક્ષતા BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા કરશે. દેશમાં કોરોના મહામારી પછી ભાજપના નેતાઓની આ પહેલી મોટી બેઠક હશે, જેમાં તમામ નેતાઓ સામેલ થશે.

બેઠકમાં પીએમ મોદી પણ સામેલ થઈ શકે છે

આ બેઠકમાં ભાજપના તમામ રાજ્યોના અધ્યક્ષો, પ્રભારી અને રાજ્યોના સહ-પ્રભારીઓ, તમામ રાજ્યોના સંગઠન મહામંત્રી પણ ઉપસ્થિત રહેશે. સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી ચાલનારી આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને રાજકારણીઓ ઉપરાંત સંસદીય બોર્ડના અન્ય સભ્યો પણ હાજર રહેશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થઈ શકે છે તેવું ચર્ચાઈ રહ્યું છે. આ બેઠકમાં પક્ષની અંદર તમામ રાજ્યોના સંગઠનાત્મક માળખા પર ચર્ચા થશે.

મહત્વપૂર્ણ બની રહેશે બેઠક

આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે આગામી કેટલાક મહિનામાં દેશમાં પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ ઉપરાંત છેલ્લા 80 દિવસથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, જેના કારણે ખેડૂત સંગઠનો સરકાર પર દબાણ લાવી રહ્યા છે, ઉપરાંત વિરોધી પક્ષો પણ સરકારને સડકથી લઈને સંસદ સુધી સરકારને ઘેરી રહ્યા છે.