વલસાડઃ  રાજયમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસોના કારણે તકેદારીના ભાગરૂપે વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલે જણાવ્‍યું છે કે જિલ્લાના તમામ પ્રવાસન સ્‍થળો શનિ-રવિ અને જાહેર રજાના દિવસોએ પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત આગામી હોળી ધુળેટીનો તહેવાર જાહેરમાં ઉજવણી કરવી પ્રતિબંધિત રહેશે. જિલ્લામાં કોવિડ સ્‍કવોડ ટીમ દ્વારા આકસ્‍મિક ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્‍યું છે. જે સતત ફરતી રહી મોલ, શોપીંગ સેન્‍ટરો, ભીડભાડ વાળી જગ્‍યાઓ ઉપર કોવિડ-૧૯ ના નિયમોનું ચુસ્‍ત પાલન થાય તે માટે જરૂરી કાર્યવાહી કરશેજિલ્લામાં યોજાતી ક્રિકેટ ટુર્નામેન્‍ટો દરમિયાન ફરજિયાત ટેસ્‍ટીંગ કરાવવા તેમજ પ્રેક્ષક વગર મેચ યોજવા જિલ્લા કલેકટરશ્રી રાવલે આદેશ કર્યો છે. કોવિડ-૧૯ની ગાઇડલાઇનનો ભંગ થતો જણાશે તો પોલીસ ફરિયાદ કરવા તંત્રની ફરજ પડશે તેમ પણ જણાવ્‍યું છે.જિલ્લા કલેકટર રાવલે જિલ્લાના નાગરિકોને અપીલ કરતા જણાવ્‍યું છે કે, જિલ્લામાં કોરોના નિયંત્રણમાં છે, ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવા સૌના હિતમાં હોવાનું જણાવ્‍યું છે.