અમદાવાદ-ઇન્દોર હાઇવે ઉપર ટ્રેક્ટર-બાઇક વચ્ચે અકસ્માત બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત
10, ફેબ્રુઆરી 2021

નડિયાદ : અમદાવાદ-ઈન્દોર હાઇવે ઉપર લાકડાંથી ભરેલાં અજાણ્યાં ટ્રેક્ટરે રોંગ સાઇડમાં વળવા જતાં બાઇકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બાઇક સવાર ત્રણ મિત્રો પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ગુનો નોંધી ફરાર ટ્રેક્ટર ચાલકને ઝડપી લેવાનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં.

કઠલાલ નજીકથી પસાર થતાં અમદાવાદ-ઇન્દોર હાઇવે ઉપર ગઇકાલે રાત્રે અકસ્માત સર્જાયો હતો. કઠલાલ તાલુકાના છીપડી ગામે રહેતાં ત્રણ મિત્રો લાંબા સમય પછી એકબીજાને મળ્યાં હતાં, જેનાં કારણે તેમણે બહાર જમવા જવાનો પ્લાન ઘડ્યો હતો. ગઈકાલે અમીન ઝાલા, મુકેશ વણઝારા અને ગોપાલ પટેલ બાઈક ઉપર બેસીને કઠલાલ ચોકડી પાસે જમવા ગયાં હતાં. આ સમયે હાઇવેની રોયલ હોટલ પાસે એક લાકડાં ભરેલાં ટ્રેક્ટરે અચાનક સાઇડ બતાવ્યાં વગર વળાંક લીધો હતો, જેનાં કારણે તે બાઇક સાથે અથડાઈ ગયું હતું. આ અકસ્માતમાં બાઈક ચાલક ગોપાલ સહિત પાછળ બેઠેલાં બંને મિત્રો વાહન સાથે રોડ ઉપર પટકાયાં હતાં. ભયભીત થયેલો ટ્રેક્ટર ચાલક અકસ્માતના સ્થળેથી પોતાનું વાહન લઈને ભાગી છુટ્યોે હતો. આ બનાવમાં ગોપાલને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું, જ્યારે તેની સાથે બાઈક ઉપર સવાર અમીન અને મુકેશને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. ફરિયાદના આધારે પોલીસે ઘટનાસ્થળે આવીને ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution