લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, એપ્રીલ 2026 |
2376
શહેરના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીના મોત મામલે હજુ પણ તપાસ ચાલી રહી છે, છતાં મોત પાછળનું કોઇ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરિવારનો આરોપ છે કે, તેમના વિસ્તારમાં આઇઓસી રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ખીરુ ખરીદ્યું હતું. જાેકે, હજુ સુધી પૂરવાર થયું નથી કે ખરેખર મોત પાછળનું કારણ ખીરું હતું કે બીજું જ કંઇક છે? આ શંકાકુશંકા વચ્ચે ડેરી માલિકની સ્થિતિ શું છે અને તેના ધંધા પર શું અસર પડી છે, તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઘનશ્યામ ડેરીના માલિક વિપુલ પટેલનો સંપર્ક કર્યો અને આ આક્ષેપિત ઘટના બાદ તેમના ધંધા પર શું અસર પડી છે તે જાણવા પ્રયાસ કર્યો છે. આ ઘટના આશરે ૧૦-૧૧ દિવસ પહેલા પ્રકાશમાં આવી હતી, ત્યારે ઘનશ્યાન ડેરીમાં માત્ર ખીરાનું વેચાણ જ સો-સવા સો કીલોગ્રામથી વધુ હતું. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે, આ ડેરી ખીરા માટે સમગ્ર વિસ્તારમાં કેટલી જાણીતી હશે. પરંતુ હાલ ડેરી માલિકે ખીરાનું વેચાણ બંધ કર્યું છે.
વિપુલ પટેલે જણાવ્યું કે, “આ ઘટનાની અસર મારા ધંધાની સાથે માનસ પર પણ પડી છે. હું માનસિક રીતે ભાંગી પડ્યો છે. આટલું જ નહીં, રોજનું સો-સવા સો કિલો જેટલું ખીરાનું વેચાણ થતું હતું. પરંતુ આ ચર્ચાસ્પદ ઘટનાને કારણે હાલ તો ખીરાનું વેચાણ સાવ બંધ જ કરી દીધું છે. જ્યાં સુધી સત્ય બહાર ન આવે ત્યાં સુધી તો વેચાણ બંધ જ કર્યું છે. આટલું જ નહીં, તમામ ડેરી પ્રોડક્ટ વેચવાનું બંધ કરી દીધું છે. માત્ર બેકરી પ્રોડક્ટનું જ વેચાણ ચાલુ રાખ્યું છે.”
નોંધનીય છે કે, આ ઘટના સામે આવતાં પોલીસને ટીમ દ્વારા ડેરીમાં તપાસ કરવામાં આવી હતી. સાથે જ ડેરીમાંથી એફએસએલ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. પરંતુ ડેરી માલિકે દાવો કર્યો હતો કે કોઇપણ ગ્રાહકની ફરિયાદ આવી નથી. પોલીસે પણ આ ડેરીમાંથી ખીરું ખરીદનારા અન્ય ગ્રાહકોની પૂછપરછ કરી હતી.
પરિવારનો આક્ષેપ છે કે ૧લી એપ્રિલના દિવસે વિમલ પ્રજાપતિ નામનો યુવક આઇઓસી રોડ પર આવેલ ઘનશ્યામ ડેરીમાંથી ખીરુ ખરીદ્યું હતું. જે ખીરામાંથી ઢોંસા બનાવી તેણે ઢોસા ખાધા હતા. જાે કે બીજે દિવસે તેની તબિયત લથડી હતી. તો બીજી તરફ બીજા દિવસે આ જ ખીરામાંથી ઢોંસા બનાવી વિમલની પત્ની અને ૩.૫ વર્ષની દીકરીએ પણ ઢોંસા ખાધા હતા. ત્યારબાદ તેમની પણ તબિયત લથડી હતી. આમ એક જ પરિવારની બે દીકરીઓ અને પતિ પત્નીની તબિયત લથડતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ૪થી એપ્રિલના દિવસે ૨.૫માસની બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. અને ૫મી એપ્રિલના દિવસે ૩.૫ વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે વિમલ અને તેની પત્નીની પણ તબિયત લથડી હતી.
બનાવ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ૩.૫ વર્ષની બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પેનલ પીએમ કરાવ્યું છે. જ્યારે હકીકતમાં આ બંને બાળકીના મૃત્યુ કેવી રીતે નીપજ્યાં છે તે અંગેનું કારણ જાણવા માટે પોલીસે એફએસએલની પણ મદદ લીધી છે. એફએસએલની ટીમે પણ ડેરી પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.
વિમલના પરિવારજનોનો આક્ષેપ છે કે, ખીરામાંથી બનાવેલ ઢોંસા ખાધા બાદ આ બનાવ બનવા પામ્યો છે. જ્યારે ડેરીના માલિકનું કહેવું હતું કે વિમલભાઈ ૧લી તારીખે ખીરું લેવા માટે આવ્યા હતા. તેમના પત્ની ૩જી તારીખે આવીને ખીરુ પરત કરી ગયા અને ખીરુ ખાવાથી તેમની તબિયત લથડી હોવાની જાણ કરી હતી. ત્યારબાદ ડેરીના માલિકે અન્ય જે ગ્રાહકોએ ખીરુ ખરીદ્યું હતું તેમાંથી અનેક લોકો પાસેથી પણ જાણકારી મેળવી હતી. પરંતુ તેઓને કોઈ આડઅસર થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું. ડેરીના માલિક દ્વારા વિમલના પત્નીએ પરત કરેલું ખીરું પણ સાચવીને રાખેલું છે. જે પોલીસ, એફએસએલ કે અન્ય કોઈપણ વિભાગની કામગીરીમાં સંપૂર્ણ સાથ સહકાર આપવા માટે તૈયાર છે. તેઓ ડેરીમાં રોજ સવા સો કિલો જેટલું ખીરુ તૈયાર કરીને વેચે છે.
આ કેસમાં વિમલ અને ભાવનાના બ્લડ રિપોર્ટમાં તેમના શરીરમાંથી ઝિંક અને એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ જેવા તત્વોની હાજરી મળી આવી હતી. જે ઘરમાં ઘઉંને લાંબા સમયથી ટકાવી રાખવા માટે જંતુનાશક દવા તરીકે વપરાય છે અને આ દવાના ટીકડા પણ ઘરની તપાસમાં મળી આવ્યા હતા. આ તથ્યના કારણે પણ ભાવેશ પણ શંકાના ઘેરામાં છે. જાેકે હાલ સુધીની પૂછપરછમાં આ તથ્ય મામલે પણ કોઈ પુરાવા અને નિષ્કર્ષ નીકળી શક્યો નથી. પૂછપરછ બાદ પણ બાળકીઓનાં મોત કયા કારણથી થયા તે અંગે પોલીસ કોઈ નક્કર પુરાવા કે તથ્યો સુધી પહોંચી શકી નથી. બાળકીઓના મોત માટે કોને જવાબદાર ગણવા તે અંગે પોલીસ હજી અસમંજસમાં છે. હવે પોલીસ એફએસએલ રિપોર્ટ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને વિશેરાના રિપોર્ટની રાહ જાેઈ રહી છે. આ તમામ રિપોર્ટ આવતા કેટલો સમય લાગી શકે તે અંગે કહેવું મુશ્કેલ છે. પોલીસના દાવા પ્રમાણે, આ રિપોર્ટ એકથી બે દિવસમાં આવી શકે છે.