વડોદરા,તા.૨૨
શહેરના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર તેમજ પાછળના ભાગે ફ્રુટના વેપારીઓ રોડ પર દબાણો કરી રહ્યા છે. અનેક વખત કલાકો સુધી ફ્રુટના મોટા વાહનો ફ્રૂટ લઈને આવતા હોય છે. જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થાય છે. એના કારણે ટ્રાફિક સમસ્યાથી કંટાળેલા શાકભાજી સહિતના વેપારીઓએ પોલીસ બોલાવી હતી અને દબાણોની સમસ્યાનુ નિકારણ કાયમી ધોરણે આવે તેવી માગ કરી હતી.
કોર્પોરેશનની મુખ્ય કચેરીને અડીને ખંડેરાવ માર્કેટની દિવાલ પાસે રોજ અસંખ્ય ફૂટના વેપારીઓ અહીં મુખ્ય માર્ગ પર દબાણ કરી પોતાનો ધંધો કરે છે. જેથી ટ્રાફિક અવ્યવસ્થા સર્જાય છે. ઉપરાંત નાળિયેર સહિતના ફ્રુટના વેપારીઓ સવારથી પોતાની ટ્રક અહીં લાવી લોડીંગ અનલોડીંગ કરતા હોય છે. તો કેટલાક મોટા વેપારીઓ અહીં ટ્રક ઊભી રાખી નાના વેપારીઓને ફ્રૂટ વેચવાનું પણ કામ કરે છે. સામાન્ય દિવસોમાં તેઓ સાતથી આઠ કલાક મુખ્ય માર્ગ પર પોતાનું વાહન મૂકી દેતા હોંવાથી ટ્રાફિકની ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે.
આ અંગે શાકભાજીના વેપારીઓએ જણાવ્યું હતું કે, ફ્રુટના વેપારીઓની જેમ અમે પણ અહીં ધંધો કરીએ છીએ અને મોડી રાત્રે ઉજાગરો કરી પોતાના વાહનો લાવી રાત્રિના સમયે સામાન લેવા મુકવાનું કામ કરીએ છીએ. શહેરમાં દિવસે ભારદારી વાહનો માટે નો એન્ટ્રી છે. તેમ છતાં ફ્રુટના વાહનો અહીં આવી આડેધડ પાર્ક થઈ જતા હોય છે. અને દાદાગીરી પણ કરતા હોય છે. સ્થાનિક વેપારીઓએ ટ્રાફિક સમસ્યાના કારણે કંટાળીને ટ્રાફિક એસીપીને રજૂઆત કરી હતી. જેના પગલે નવાપુરા અને ટ્રાફિક પોલીસની ટીમ અહીં દોડી આવી હતી અને મુખ્ય માર્ગ પર વ્યવસાય કરતાં ફૂટના વેપારીઓને ખસેડ્યા હતા. અન્ય વેપારીઓની માંગ છે કે, અહીં કાયમી રીતે ફ્રુટ બજાર દૂર કરવામાં આવે અને રસ્તો ખુલ્લો થાય તો ટ્રાફિકની અગવડ દૂર થાય તેમ છે.
ઉલ્લેખનિય છે કે, પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી બાદ અનેક વખત ગણતરીના સમયમાં સ્થિતી જૈસેથે જેવી થઈ જાય છે.