વડોદરા, તા.૨૩

વડોદરા શહેરમાં સમીસાંજે તેજ ગતિએ પવન સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ થયો હતો. દરમિયાન અજબડી મિલ પાસે એક્ટિવા લઈને પસાર થતા પાણીગેટ પોલીસ મથકના કોન્સ્ટેબલ પર વર્ષોજૂનું એક ઝાડ ધરાશાયી થતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કોન્સ્ટેબલને તરત જ સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

વડોદરા શહેરમાં સમીસાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને તેજ ગતિએ પવન ફૂંકાવાની સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ પણ થયો હતો. દરમિયાન અજબડી મિલ પાસે બરોડા હોલની સામે વર્ષોજૂનું ખજૂરનું ઝાડ ધરાશાયી થઈને વીજ તાર પર પડતાં ત્યાંથી એક્ટિવા લઈને પસાર થઈ રહેલા પાણીગેટ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ અમરસિંહ ગોરધનસિંહ રાજપૂત પર પડતાં દબાઈ ગયા હતા.

આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરાતાં તરત જ સ્થળ પર દોડી જઈને ધરાશાયી થયેલા ઝાડને કાપીને ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્ત થયેલા કોન્સ્ટેબલને સારવાર માટે નજીકની હાર્મની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસબેડામાં ઘેરાશોકની લાગણી વ્યાપી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ દંતેશ્વર ખાતે રહેતા અને ગાજરાવાડી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અમરસિંહ રાજપૂત ઉં.વ. ૪પ સાંજના સમયે તેમની એક્ટિવા લઈને પેટ્રોલિંગમાં નીકળ્યા હતા, તે દરમિયાન એકાએક વર્ષોજૂનું ખજૂરનું ઝાડ ધરાશાયી થતાં આ ઘટના બની હતી. વૃક્ષ ધરાશાયી થતાં પોલીસ કોન્સ્ટેબલ દબાઈ જતાં મોટી સંખ્યામાં લોકોના ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતના કાગળો તૈયાર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.