વડોદરા : કરજણ હાઈવે પર આવેલ કંડારીથી માંગલેજ ગામ વચ્ચે નેશનલ હાઈવે પર પાદરા તાલુકાના ટીકરીયા મુબારક ગામના યુવાનને ગમખ્વાર અકસ્માત સર્જાતાં બાઈકસવાર ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતના બનાવને પગલે થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયાં હતાં. કરજણ પોલીસને અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. 

પાદરા તાલુકાના ટીકરીયા મુબારક ગામે વિશાલ નારણભાઈ વસાવા (ઉં.વ.૧૯) તેના પિતાને કરજણ જાઉં છું તેમ કહીને ઘરેથી બાઈક લઈને આજે સવારે નીકળ્યો હતો. વિશાલે તેના બે મિત્રો નીકુંજ ઘનશ્યામ વસાવા (ઉં.વ.૧૮) અને પોર-ઈટોલા ગામે રેલવે સ્ટેશન પાછળ રહેતો અજય મથાભાઈ કટાર (ઉં.વ.રર) ત્રણેય મિત્રો એક બાઈક પર ત્રણસવારી કરજણ હાઈવે પર પૂરઝડપે જઈ રહ્યા હતા ત્યારે બાઈક વિશાલ વસાવા ડ્રાઈવિંગ કરતો હતો. આ ત્રણેય મિત્રો કરજણ હાઈવે પરના કંડારી અને માંગલેજ ગામની વચ્ચે હાઈવેના ફર્સ્ટ ટ્રેક પર પોતાની બાઈક હંકારી રહ્યો હતો એ દરમિયાન ફર્સ્ટ ટ્રેક પરથી પૂરઝડપે પસાર થઈ રહેલા અજાણ્યા વાહનચાલકે ત્રણ સવારી બાઈકને અડફેટમાં લીધા હતા. બાઈક અજાણ્યા વાહનની ટક્કર વાગતાંની સાથે પૂરઝડપે દોડી રહેલી બાઈક હાઈવે પર સ્લીપ ખાઈ ગઈ હતી જેમાં હાઈવે પર પટકાયેલા ત્રણે મિત્રોની ખોપરીઓ ફાટી જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ ગમખ્વાર અકસ્માત મોતના બનાવને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો પોતાના વાહનો થંભાવી દીધા હતા અને ત્રણેય યુવાનોની મદદે લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. જાે કે, આ ત્રણેય યુવાનો મોતને ભેટયા હોવાથી આ બનાવની જાણ કરજણ પોલીસ મથકને કરવામાં આવી હતી. પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે કરજણ ખાતે ખસેડવામાં આવ્યા હતા.