મુંબઇ 

રિચા ચઢ્ઢાની ફિલ્મ 'શકીલા'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ સાઉથ એડલ્ટ સ્ટાર શકીલાના જીવન પર આધારિત છે. ફિલ્મ 25 ડિસેમ્બરના રોજ દેશભરની 1000 સ્ક્રીન પર તથા પાંચ અલગ અલગ ભાષામાં રિલીઝ થશે.

ટ્રેલરની શરૂઆતમાં 90ના દાયકાની એડલ્ટ સ્ટાર સિલ્ક સ્મિથાએ આત્મહત્યા કરી લીધી છે અને તે ન્યૂઝ બતાવવામાં આવે છે. સિલ્ક સ્મિથાના મોત બાદ હવે તેની ખાલી પડેલી જગ્યામાં કોણ આવશે તેવી ચર્ચા થવા લાગે છે. ત્યારબાદ શકીલાના વિવિધ મોન્ટાજ આવે છે. તે મધ્યમ વર્ગીય પરિવારમાં જીવે છે અને લગ્ન સિવાય તેની કોઈ અપેક્ષા નથી. જોકે, અચાનક જ તેના પિતાનું મોત થાય છે અને પરિવારની જવાબદારી તેની પર આવી જાય છે. એક સમયે તેની માતા તેને કહે છે કે 'ઈશ શહેર મૈં અગર રેહના હૈં તો મુઝે સડક પે બિકના હોગા યા તુઝે પરદે પર.'

ફિલ્મના ટ્રેલરમાં પંકજ ત્રિપાઠી વુમનાઈઝર બતાવવામાં આવ્યો છે અને તેની નજર ન્યૂકમર પર હોય છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠીએ સલીમનું પાત્ર ભજવ્યું છે. ટ્રેલરના અંતમાં રિચા ચઢ્ઢા કહે છે, 'મૈને જો ભઈ કિયા, ખુલે આમ કિયા, પરદે કે સામને, કિસી કો ધોકા નહીં દિયા, કિસી પે જબરજસ્તી નહીં હૈ કી વો મેરી પિક્ચર આ કે દેખે.' 

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ સાઉથ ઈન્ડિયન ફિલ્મ એક્ટ્રેસ શકીલના જીવન પર આધારિત છે. 90ના દાયકામાં શકીલા ઍડલ્ટ સ્ટાર તરીકે સાઉથ ફિલ્મમાં કામ કરતી હતી. શકીલા રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાંથી આવી હતી. તેણે 16 વર્ષની ઉંમરમાં ફિલ્મ ડેબ્યૂ કર્યું હતું અને પછી તે બિગ સ્ટાર બની ગઈ હતી. ફિલ્મમાં શકીલાના જીવનની સફર અને તેના જીવનમાં આવેલી ચડતી-પડતીની વાત કરવામાં આવી છે. ફિલ્મમાં રિચા-પંકજ ત્રિપાઠી ઉપરાંત મલયાલમ એક્ટર રાજીવ પિલ્લઈ છે. ફિલ્મને ઈન્દ્રજીત લંકેશે ડિરેક્ટ કરી છે.