ઈશાન ખટ્ટર સ્ટારર અ સૂટેબલ બોય સિરીઝનું ટ્રેલર રિલીઝ થયું છે. આ શો 6 ભાગમાં હશે જે 26 જુલાઈના BBC 1 અને BBC iPlayer પર ટેલિકાસ્ટ થશે. પ્રસિદ્ધ રાઇટર વિક્રમ શેઠની નોવેલ અ સૂટેબલ બોય પર આધારિત આ શોમાં ટીવી એક્ટ્રેસ તાન્યા મણિકતાલા, તબુ લીડ રોલમાં છે. સલામ બોમ્બે અને ધ નેમસેક ફેમ ઇન્ટરનેશનલ ફિલ્મમેકર મીરા નાયર આ સિરીઝના ડિરેક્ટર છે.

ઈશાને આ ઇન્ટરનેશનલ પ્રોજેક્ટનું ટ્રેલર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. આ અડેપ્ટેશનમાં ઈશાન માન કપૂરના રોલમાં છે, રામ કપૂર રાજકારણીના રોલમાં છે અને ઈશાન તેના દીકરાના રોલમાં છે. સ્ટોરી 1951ના સમયની છે જેમાં ભારતમાં આઝાદી બાદ નવો દોર શરૂ થઇ રહ્યો હતો. તબુ શાયદા બાઈ નામની ગણિકા (courtesan)ના રોલમાં છે.

જિંદગીને પોતાની શરતો પર જીવનાર માનના સંબંધ શાયદા સાથે હોય છે. તાન્યા લતાના રોલમાં છે. લતા અને માન તેમના એક પરિવારના સભ્યનાં લગ્નમાં મળે છે. આ લતાની કમિંગ ઓફ એજ સ્ટોરી છે જેમાં લતાની માતા તેની માટે એક હેન્ડસમ યોગ્ય મુરતિયો શોધે છે. બીજી બાજુ લતા ખુદને શોધવાની જર્નીમાં આગળ વધતી હોય છે. આ લતા, માન અને શાયદાની ટ્રાયેન્ગલ સ્ટોરી છે. ધ નેમસેક બાદ તબુ અને ડિરેક્ટર મીરા નાયરે ફરીવાર આ પ્રોજેક્ટમાં સાથે કામ કર્યું છે.

આ શોને પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડાઇસ, વોર એન્ડ પીસ ફેમ રાઇટર એન્ડ્ર્યુ ડેવિસે લખ્યો છે. આ શો લુકઆઉટ પોઇન્ટના બેનર હેઠળ પ્રોડ્યુસ થયો છે. આ શોની સ્ટારકાસ્ટમાં રામ કપૂર, રસિકા દુગલ, વિજય વર્મા, નમિત દાસ, માહિરા કક્ક્ડ, ગગન દેવ, રણદીપ હૂડા, રણવીર શોરે વગેરે સામેલ છે.