લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, એપ્રીલ 2026 |
2376
અમદાવાદ પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડની ટીમે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના ચિલોડાથી દહેગામ ચાર રસ્તા તરફ જતા ગામઠી રેસ્ટોરન્ટ પાસેથી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો છે. પોલીસે રૂ.૬૭.૫૭ લાખના દારૂ અને બિયરના જથ્થા સાથે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતા ચંદીગઢથી ટીવીની ખોટી બિલ્ટી બનાવી તેની આડમાં દારૂનો જથ્થો નડિયાદ ખાતે લઈ જવામાં આવતો હતો. ત્યારે નરોડામાંથી પોલીસે દારૂ ભરેલી ટ્રક ઝડપી કાર્યવાહી કરી છે. પીસીબી સ્ક્વોડના પીઆઈ જે.પી.જાડેજાની ટીમને બાતમી મળી હતી કે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાનાચિલોડાથી દહેગામ તરફ જવાના રિંગ રોડ ઉપરથી દારૂ ભરેલી એક ટ્રક પસાર થવાની છે. જેના આધારે ટીમે ગામઠી રેસ્ટોરન્ટ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાનમાં બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને રોકી હતી. સૌ પ્રથમ પોલીસે ડ્રાઇવરને પૂછતા તેણે ટ્રકમાં ટીવી ભરેલા હોવાનું કહ્યું હતું અને ટીવીની બતાવી હતી. પરંતુ ચોક્કસ બાતમી હોવાના પગલે પોલીસે જ્યારે ટ્રક ખોલીને જાેયું તો તેમાંથી વિદેશી દારૂ અને બીયર ભરેલા બોક્સ મળી આવ્યા હતા. પોલીસને ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બિયરનો જથ્થો કુલ બોટલો નંગ ૨૫,૬૦૮ કિંમત રૂપિયા ૬૭,૫૭,૪૮૮/- ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે ડ્રાઇવરની પૂછપરછ કરતા તેનું નામ કમલસિંગ ભાનીસિંગ યાદવ (ઉ.વ.૪૬ રહે.સરકારી સ્કુલની પાસે નવો પ્લોટ ગામ, બહેરોડ જિ.અલવર રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. ટ્રક ડ્રાઇવર કબૂલ્યુ કે, ચંદીગઢ ખાતેથી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપ્યો હતો અને નડિયાદ ખાતે લઈ જવા માટે કહ્યું હતું. પોલીસે દારૂનો જથ્થો અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૮૭,૬૭,૯૨૮/-નો મુદ્દામાલ કબજે કરી સ્થળ ઉપરથી ટ્રક ડ્રાઇવરને પકડી હરિયાણાના બેશક ચંદીગઢથી દારૂ ભરી આપનાર અને નડિયાદ ખાતે દારૂ મંગાવનાર સહિત શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.