સુરત-

બારડોલી નજીક ધુલિયા ચોકડી પૂરઝડપે આવતી ટ્રક બેકાબૂ બની ડિવાઇડર પર ચઢી ગયા બાદ યુટર્ન લઈ રહેલી કાર પર પલટી મારી ગઈ હતી. કારની સાથે કાર ચાલક પણ ટ્રકની નીચે દબાય ગયો હતો. જો કે કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.આ અંગે મળતી માહિતી અનુસાર માંડવીના વશી ફળિયામાં રહેતા જયંતસિંહ ફતેસિંહ ચૌહાણ (ઉ.વર્ષ 66) પોતાની અલ્ટો કારમાં સંબંધી કિશોરભાઈ મહેન્દ્રસિંહ ચૌહાણ સાથે કામ અર્થે બારડોલી આવ્યા હતા. કામ પતાવી તે કાર લઈને ધુલિયા ચોકડી નજીક પોંક લેવા માટે ગયા હતા. કાર ઊભી રાખી કિશોરભાઈ પોંક લેવા માટે ગયા હતા અને જયંતસિંહ બારડોલી તરફ યુ ટર્ન લઈ રહ્યા હતા તે સમયે સુરત તરફથી પૂરઝડપે આવતી ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં ટ્રક ડિવાઇડર પર ચઢી બાજુમાંથી પસાર થતી જયંતસિંહની કાર પડી હતી. જેને કારણે કારની સાથે જયંતસિંહ પણ દબાઈ ગયા હતા. સ્થાનીક લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ક્રેનની મદદથી ટ્રક ખસેડી કાર ચાલકને બહાર કાઢ્યો હતો. તેને તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે. અકસ્માતને કારણે રોડ પર વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  લોકો રસ્તા પર જ વાહનો પાર્કિંગ કરી ખરીદી કરવા માટે જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. ધુલિયા ચોકડી નજીક પોંક બજાર ઉપરાંત અન્ય ખાણીપીણીની અનેક દુકાનો આવેલી હોય લોકો રસ્તા પર જ વાહનો પાર્કિંગ કરી ખરીદી કરવા માટે જતાં હોય છે. જેને કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. પોલીસ પણ ધુલિયા ચોકડી નજીક વાહન ચાલકો પાસે માસ્ક ન પહેર્યું હોય તો દંડ વસૂલ કરતાં હોય છે પરંતુ રોડ પર પાર્ક થતા વાહનો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.