રાજકોટ, શહેરમાં ટ્યુશન સંચાલકોને પોલીસ કમિશનરના નામે પત્ર લખી પરિવાર સાથે ગાયબ થવાનું મોંઘુ પડ્યું હોવાનું સામે આવ્યું છે. તાલુકા પોલીસ દ્વારા ટ્યુશન સંચાલક વિજય મકવાણા અને તેના ભાઈ કિરણ મકવાણા વિરુદ્ધ પોલીસને ગેરમાર્ગે દોરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ગત અઠવાડિયે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તેમજ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઇ ધોળાના નામે વિજય મકવાણા નામના વ્યક્તિએ પત્ર લખ્યો હતો. જે પત્ર માં વિજય મકવાણાએ લખ્યું હતું કે, અઢી કરોડ તેણે વર્ષ ૨૦૧૩માં જે. પી. જાડેજા નામના વ્યક્તિ પાસેથી વ્યાજે લીધા હતા. જેનું માસિક ત્રણ ટકા લેખે વ્યાજ તે વર્ષ ૨૦૧૯ સુધી ચૂકવતો આવ્યો છે. પોતાના મિલકતનો કેટલોક ભાગ તેણે જે. પી. જાડેજાના નામનો કરી દીધો હોવા છતાં જે. પી. જાડેજા દ્વારા તેમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનું તેમજ પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હોવાનું પત્રમાં જણાવ્યું હતું. તો સાથે જ પત્રમાં લખ્યું હતું કે, જાે આગામી ૧૩ જૂન સુધીમાં અમારો કોઈ પત્તો ન લાગે તો અમને મરી ગયેલા સમજવા.સમગ્ર મામલે તાલુકા પોલીસ સ્ટેશનને પત્ર મળતા તાલુકા પોલીસ દ્વારા વિજય મકવાણા અને ભાઈ કિરણ મકવાણાની પૂછપરછ કરવામાં આવી હતી. વિજય મકવાણા દ્વારા જે બાબત પત્રમાં લખવામાં આવી હતી તે જ બાબત પૂછપરછ દરમિયાન કિરણ મકવાણાએ પોલીસને જણાવી હતી. સમગ્ર મામલે તાલુકા પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિજય મકવાણાની શોધખોળ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ૧૬ તારીખ બાદ વિજય મકવાણા તેની પત્ની અને તેની પુત્રી અમદાવાદ ખાતેથી ઝડપાઈ જતાં ક્રાઈમ બ્રાન્ચ તેને હેમખેમ રાજકોટ લાવ્યા હતા. આ દરમિયાન તાલુકા પોલીસ દ્વારા જે.પી. જાડેજાના પણ નિવેદન નોંધવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સમગ્ર ઘટના પઠાણી વ્યાજખોરી નહીં પરંતુ ભાગીદારીમાં ઉભા થયેલા ડિસ્પ્યુટની હોવાનું સામે આવ્યું હતું. ત્યારે વિજય મકવાણા અને તેનો પરિવાર રાજકોટ હેમખેમ આવી જતા. તાલુકા પોલીસ દ્વારા વિજય મકવાણા અને તેના ભાઈ કિરણ મકવાણા વિરુદ્ધ પોલીસને ગેરમાર્ગે દોરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પત્રમાં વિજય મકવાણા એ લખ્યું હતું કે, અઢી કરોડ તેણે વ્યાજે લીધા હતા. તેના બદલામાં તેને જે પી જાડેજા ના નામે પ્રદ્યુમન વિલામાં પોતાના ફ્લેટ નો કિસ્સો તેમના નામે કરી દીધો હતો તેમ છતાં તેમની પાસે પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે. પત્ર લખ્યા બાદ ઘરેથી વિજયભાઈ તેમની પત્ની અને તેમની પુત્રી ક્યાંક ચાલ્યા ગયા છે. ત્યારે વિજયભાઈના ભાઈએ તાલુકા પોલીસમાં પત્ર સાથે અરજી કરી છે. જે અરજી કરતાની સાથે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

પત્રમાં વિજયભાઈએ સ્પષ્ટ લખ્યું હતું કે, આગામી ૧૩મી તારીખ સુધીમાં તેઓનો કોઈ પત્તો ન લાગે તો તેમને મરી ગયેલા સમજવા. તો સાથે જ વિજય મકવાણા એ પોલીસ કમિશનરને સંબોધતા લખ્યું હતું કે, તેઓ છેલ્લા ૨૦ વર્ષથી ટ્યુશન ક્લાસીસ નો વ્યવસાય કરી પોતાના ઘરનું આર્થિક ગુજરાન ચલાવે છે.