ઇસ્લામાબાદ-
સાઉદી અરબ જવાની તૈયારી કરી રહેલા પાકિસ્તાની નાગરીકોની આશાઓ પર પાણી ફરી વળ્યુ છે. સાઉદીના ક્રાઉન પ્રીન્સ મોહમ્મદ બિન સલમાન (એમબીએસ)ના તંત્રએ પાકિસ્તાનને મોટો ઝાટકો આપ્યો છે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાનખાન સાઉદી અરબેના ત્રણ દિવસના પ્રવાસથી પાછા આવ્યા છે. ત્યાર પછી તરત જ સાઉદી અરબે આ ફરમાન બહાર પાડીને ઇમરાન સરકારની મુસીબતો વધારી દીધી છે.
સાઉદી અરબે કહ્યું છે કે તે એવા પાકિસ્તાનીઓને કોઇપણ પ્રકારના વીઝા નહિ આપે જેમણે ચીનમાં બનેલી રસી મુકાવી છે. આનુ કારણ એ છે કે સાઉદી ઓથોરીટીએ ચીનની સાઇનોવેક અને સાઇનોફાર્મની રસીને પરવાનગી નથી આપી. જો કે ચીને રસી ડીપ્લોમસી હેઠળ આ રસી સાઉદી અરબ મોકલી હતી પણ ત્યાંના પ્રશાસને તેનો ઉપયોગ નહોતો કર્યો. રીપોર્ટ અનુસાર સાઉદી પ્રશાસને હવે આ મામલામાં થોડી રાહત આપી છે. જે લોકોએ રસી નહિ મુકાવી હોય, તેમણે નેગેટીવ આરટી પીસીઆર રીપોર્ટ તો બતાવવો જ પડશે. એ ઉપરાંત તેમણે ૧૪ દિવસનું કવોરન્ટાઇન પણ ભોગવવુ પડશે અને તે પણ પોતાના ખર્ચે. સાઉદી સરકારે અત્યાર સુધીમાં ચાર રસીને જ મંજુરી આપી છે. તેમાં ફાઇઝર, એસ્ટ્રાજેનેકા, મોડર્ના અને જોન્સન એન્ડ જોન્સન સામેલ છે. જોન્સન એન્ડ જોન્સનની રસીનો ફકત એક જ ડોઝ હોય છે. જયારે બાકીની ત્રણે રસીના બે ડોઝ લાગે છે. ચીને ભલે પોતાની બંને રસીના ડોઝ સાઉદી મોકલ્યા પણ તેનો ઉપયોગ નથી કરવામાં આવ્યો.
Loading ...