વડોદરા : વડોદરા શહેરના મુજમહુડાથી માંજલપુર જવાના રસ્તામાં આવેલા પેટ્રોલ પંપ પર ૩ મહિનાના લેબ્રાડોર ડોગના બચ્ચાને બે ગઠિયા ટુ-વ્હીલર પર ઉઠાવી જતા ડોગના માલિકે પેટ્રોલપંપના સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે બંને ફરાર ગઠિયાઓની શોધખોળ શરૂ કરી છે.  

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના મુજમહુડા શાકભાજી માર્કેટ પાસે આવેલા પેટ્રોલ પંપના માલિક જય પટેલ પોતાના ઘરે કેની લેબ બ્રીડનું ૩ માસનું લેબ્રાડોર ડોગનું બચ્ચે લાવ્યા છે અને તેનું નામ માર્ક જોન્સન છે. ડોગના બચ્ચાને પોતાના ઘરે રાખી તેને પરિવારના એક સભ્યની જેમ પાળતા હતા. તેની સાથે આત્મિયતા હોઈ તે બચ્ચાને પોતાની સાથે પેટ્રોલપંપ પર લાવતા હતા અને કેટલીક વાર બાંધી મુકતા હતા અને પેટ્રોલપંપ પર ભીડ ઓછી હોય કે ટાંકીમાં પેટ્રોલ-ડિઝલ ભરવાની કામગીરી ચાલતી હોય તે સમયે પંપ પર કોઈની અવરજવર નહી હોવાના કારણે તેને રમવા માટે છુટ્ટો પણ મુકતા હતા અને રાત્રે પોતાની સાથે ઘરે પરત લઈ જતા હતા.

ગઈ કાલે સાંજે પંપ પર ટાંકીમાં પેટ્રોલ-ડિઝલ ભરાવવાની કામગીરી ચાલતી હોઈ ભીડ નહીવત હતી. તે સમયે મોપેડ પર ડબલ સવારીમાં આવેલા બે યુવકો પૈકી એક યુવક ત્યાં રમતા માર્ક જાેન્સન પાસે ગયો હતો અને તેને સીટી વગાડીને તેને રમાડવાના બહાને પોતાની પાસે બોલાવ્યો હતો અને લેબ્રોડોરનું બચ્ચુ મોપેડના બોનેટ પર ચડતા જ મોપેડચાલક તેના સાગરીતને પાછળ બેસાડીને લેબ્રોડરને લઈને પલાયન થયા હતા. દરમિયાન મોડી સાંજે પોતાનું વ્હાલુ ડોગી નહી દેખાતા પેટ્રોલપંપના માલિક અને કર્મચારીઓએ તેની આસપાસમાં શોધખોળ કરી હતી જાેકે તેનો પત્તો નહી લાગતા કર્મચારીઓએ પેટ્રોલપંપના સીસીટીવી કેમેરાના ફુટેજની ચકાસણી કરી હતી જેમાં મોપેડસવાર ગઠિયાઓ ડોગીના બચ્ચાને લઈને રફુચક્કર થયા હોવાની જાણ થઈ હતી.