17, ઓક્ટોબર 2021
ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપે તમામ મંત્રીઓને લોક સંપર્ક વધારવાની સુચના આપી છે. જેમાં ગુજરાતના સાંસદો એવા કેન્દ્રિય મંત્રીઓ સભાઓ ગજવશે. બે કેન્દ્રીય મંત્રીઓ ૪૦ જનસભાઓ કરશે. આ અંર્તગત રવિવારે દેવુસિંહ ચૌહાણ અને ડૉ. મહેન્દ્ર મુંજપરાની જનસભાઓ યોજાશે. જેમાં રવિવારે કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ગાંધીનગર જિલ્લામાં અને ડૉ. મહેન્દ્ર મુંજપરા અમદાવાદ જિલ્લામાં સભાઓ કરશે. ઓબીસી સમાજ પ્રભાવિત બેઠકો અને જિલ્લાઓમાં વધુ જનસભાઓ યોજવામાં આવશે.વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં આજથી ભાજપે પ્રશિક્ષણ વર્ગની પણ શરૂઆત કરી છે. આ પ્રશિક્ષણ વર્ગમાં જરૂરી માહિતી ઉપરાંત પાર્ટીની કાર્યપદ્ધતિ, વિચારસરણી, ભાજપાનો ઈતિહાસ, જનસંઘનો ઈતિહાસ, એકાત્મ માનવવાદ, કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી, મીડિયા , સોસિયલ મીડિયા, વિવિધ સમાજાેને લગતા મુદ્દાઓ, યુવાનો, મહિલાઓ, અનુ. જાતિ, અનુસૂચિત જનજાતિ સમાજ મુદ્દે પ્રશિક્ષણ વર્ગ માં ચર્ચા કરવામાં આવશે. જેમાં આજની રાજકીય પરિસ્થિતિ અને ભાજપાના કાર્યકર્તાનો રાજકીય પરિસ્થિતિમાં શું યોગદાન અને શું તેમની કાર્યપદ્ધતિ હોઈ શકે તે અંગેની બધી જ બાબતોનો વિચાર-વિમર્શ હાથ ધરાશે.