સુરત, બે પેઢીમાંથી યાર્ન ખરીદી ૧.૦૧ કરોડ રૂપિયા પેમેન્ટ નહીં કરનારા સાળા બનેવી સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર સિંગણપોરમાં કંથારીયા હનુમાન મંદિર સામે શુકનહાઇટ્સ એપાર્ટમેન્ટમાં ગુણવંત દામજીભાઈ સાંકડાસરિયા તેમના પરિવાર સાથે રહે છે. ભાવનગરના શિહોર તાલુકાના વતની ગુણવંત મિતેનભાઈ ખોડાભાઈ પટેલ તથા હિરાબેન વિઠ્ઠલભાઈ દેવજીભાઈ વિકાણીની રૂદ્રાક્ષ પોલીફેબ તથા વિઠ્ઠલભાઈ દેવજીભાઇ વિઠાણી તથા સતિષ વિઠ્ઠલભાઈ વિઠાણીની શ્રીરુદ્રાક્ષ પોલીયાર્ન એમ બે પેઢીમાં સેલર તરીકે નોકરી કરે છે. શ્રીરુદ્રાક્ષ પોલીફેબ તેમજ શ્રી રુદ્રાક્ષ પોલીયાર્ન યાર્નની જથ્થાબંધ ખરીદી કરી માર્કેટમાં છૂટકમાં વેચાણ કરે છે. રુદ્રાક્ષ પોલીયાર્ન પેઢીમાં નોકરી કરતા જયેશ રામગોપાલ બુબના એ જાન્યૂઆરી ૨૦૨૩માં માલિક વિઠ્ઠલભાઇને જણાવ્યું હતું કે, મારા પડોશી યુવરાજ દીપકકુમાર જરીવાલા સાથે મે ભાગીદારીમાં યાર્નનો ધંધો શરૂ કર્યો છે. યુવરાજને યાર્નનો માલ જોઈએ છે. તે સારી અને વિશ્વાસું પાર્ટી છે અને સમયસર તે મને પેમેન્ટ કરી દેશે. જયેશનાં રેફરન્સ બાદ યુવરાજ દીપકકુમાર જરીવાલા કતારગામ લક્ષ્મી એન્કલેવ-ર ખાતે આવેલી ઓફિસમાં મળવા આવ્યો હતો. એ સમયે તેની સાથે તેના બનેવી અજય રામુભાઇ ગામીત પણ હતાં. તેઓએ આદિદેવ ટ્રેડર્સનાં પ્રોપરાઈટર હોવાનું જણાવ્યું હતું. ધંધાકીય વાતચીતમાં ભરોસો બેસતાં રૂદ્રાક્ષમાંથી તેમને માલ આપવાનું શરૂ કરાયું હતું. યુવરાજ જરીવાલાએ જાન્યૂઆરી થી એપ્રિલ ૨૦૨૩ સુધીમા શ્રીરૂદ્રાક્ષ પોલીફેબમાંથી ૧,૩૮,૯૪,૨૨૯ કિંમતનું યાર્ન ખરીદ્યું હતું, જેની સામે ૫૬,૮૪,૫૬૮ રૂપિયા પેમેન્ટ કર્યું હતું. જ્યારે ૮૨,૦૯,૬૬૧ રૂપિયાની ચુકવણી બાકી રાખી હતી. યુવરાજ જરીવાલાએ શ્રીરૂદ્રાક્ષ પોલીયાર્નમાથી પણ ૬૪,૯૮,૬૬૫ કિંમતનું યાર્ન ખરીદ્યુ હતું. જેમાં ૪૬,૩૪,૨૪૦ રૂપિયા ચૂકવી ૧૮,૬૪,૪૨૫ બાકી રાખ્યા હતાં. આ રીતે બે પેઢીનું કુલ ૧,૦૧,૦૪,૦૮૬ રૂપિયા પેમેન્ટ બાકી રહ્યું હોય ગુણવંતભાઇ દ્વારા ઉઘરાણી શરૂ કરાઇ હતી. શરૂઆતમાં વાયદાઓ કરનારા જરીવાલાએ પાછળથી પચ્ચીસ જેટલા એચ.ડી.એફ.સી ના ચેક આપ્યા હતા. જો કે આ બધા ચેક રીટર્ન થયા હતા. ગત ઓક્ટોબર મહિનામાં ૧,૦૧,૦૪,૦૮૬ રૂપિયાની ફરીથી ઉઘરાણી કરાઇ હતો અજય રામુ ગામીતે ૯૦ દિવસમાં ક્લિયર કરાવી દેવાના વાયદે ચેક લખી આપ્યા હતા. સાથે જ અજય અને યુવરાજે બાંહેધરી કરાર પણ લખી આપ્યો હતો. જો કે આ કરાર અનુસાર પણ પેમેન્ટ કરાયું ન હતું. ગુણવંતભાઇ ઉઘરાણી માટે ગયા તો તેમની સાથે ઝઘડો અને ગાળાગાળી કરાઇ હતી. હવે પછી મારા ઘરે નાણાંની ઉઘરાણી કરવા આવીશ તો તમારા ટાંટિયા તોડી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપવામાં આવી હતી. સાથે જ ખોટી ફરિયાદ કરી ફસાવી દઈશું એમ કહેવાતાં ગુણવંતભાઇએ પેઢીના માલિકો સાથે ચર્ચા કરી અજયકુમાર રામુભાઈ ગામીત (રહે, કલાપી એપાર્ટમેન્ટ, સિટીઝન સ્કુલની બાજુમાં પાલનપુર જકાતનાકા) તથા યુવરાજ દિપક જરીવાલા (રહે, વેકંજા હોમ્સ, સેન્ટોસા હાઇટ્સ સામે અલથાણ ભીમરાડ રોડ) સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.