વડોદરા, તા.૨૦

વિતેલા છેલ્લા ર૪ કલાકમાં શહેર નજીક આગ લાગવાના બે મોટા બનાવો બન્યા હતા, જે પૈકી સાવલી નજીક લામડાપુરા ગામ પાસે આવેલ કંપનીમાં લાગેલી વિકરાળ આગને ફાયરબ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો.

બાજવા ખાતે આવેલ લાકડાના દરવાજા બનાવતી કંપનીમાં શુક્રવાર મધ્યરાત્રિ બાદ ૩.૧પ કલાકે ભીષણ આગ લાગી હતી. આગની ઊંચી જ્વાળાઓ દૂર દૂરથી જાેઈ શકાતી હતી અને રાત્રિના સમયે ધુમાડાના ગોટેગોટા આસપાસના વિસ્તારમાં ફેલાયા હતા. નજીકના વિસ્તારમાં રહેતા ગ્રામ્યજનોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. આગના પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા. ગ્રામ્યજનોએ આરોપ લગાવ્યો હતો કે કંપનીમાં ફાયરસેફટી અંગેના કોઈ જ સાધનો ન હતા, જેના કારણે આગ ઝડપથી પ્રસરી હતી. જાે સાધનો હોત તો પ્રારંભિક અવસ્થામાં જ આગને કાબૂમાં લેવાઈ હોત.

આગનો બીજાે મોટો બનાવ સાવલી નજીક આવેલ લામડાપુરા ગામે બન્યો હતો. રેન સ્માર્ટ સોલ્યુશન કંપનીમાં શનિવાર સવારે આગ ફાટી નીકળતાં કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. અત્યંત જ્વલનશીલ કેમિકલનો જથ્થો સળગી ઊઠતાં આગની મોટી મોટી જ્વાળાઓ આકાશ તરફ ફેલાઈ હતી અને ધુમાડાના ગોટેગોટા પાંચ કિ.મી. દૂર સુધી જાેઈ શકાતી હતી. આગના સમયે કંપનીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ફરજ ઉપર હાજર હતા. આ બનાવની જાણ મંજુસર ફાયર બ્રિગેડને કરવામાં આવતાં તાત્કાલિક ફાયર ફાઈટરો સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. કંપનીમાં લાગેલી આગનું સ્વરૂપ જાેતાં મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. જેના પગલે અન્ય ફાયર ફાઈટરો પણ આવી જઈને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. દરમિયાન બાજુમાં જ આવેલ આકાશ ગેસિસ કંપનીમાં પણ ગેસનો સિલિન્ડરનો મોટો જથ્થો હોવાથી સલામતીના ભાગરૂપે ગેસના સિલિન્ડરો હટાવી લેવાયા હતા. આગને પગલે કર્મચારીઓ પહેલેથી જ કંપનીની બહાર દોડી ગયા હોવાથી કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પરંતુ આગમાં લાખો રૂપિયાનો કેમિકલનો જથ્થો બળીને ખાક થઈ ગયો હોવાનું કંપનીના મેનેજરે જણાવ્યું છે. આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું ન હોવાનું ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું.