વડોદરા, તા. ૧૦

હરિધામ સોખડામાં સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિ તેમજ કરોડો રૂપિયાની સંપતિના મુદ્દે બે સ્વામીઓ અને તેઓના હજારો અનુયાઈઓના જુથ વચ્ચે ચાલી રહેલો વિવાદ હજુ શમ્યો નથી તે પહેલા હવે છાણીમાં આવેલા વડતાલ તાબાના સ્વામીનારાયણ મંદિરમાં બે સ્વામીની નિમણુંકના મુદ્દે ભક્તોના બે જુથો વચ્ચે ઉગ્ર વિવાદ શરૂ થયો છે. આ વિવાદના પગલે ગઈ કાલે સ્વામીના અવરજવર કરવાના ગેટને તાળું મારી દઈ મંદિરનો વીજપ્રવાહ બંધ કરી દેવામાં આવતા મંદિરના પ્રાંગણમાં જ બે જુથો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી જેમાં બંને પક્ષે મહિલાઓ પર હુમલા કરાયાની છાણી પોલીસ મથકમાં સામસામે ફરિયાદો નોંધાઈ છે.

છાણી ગામના વણકરવાસ સ્થિત સ્વામીનારાયણ ફળિયામાં રહેતા અને આઈસીઆઈસીઆઈ બેન્કમાં રિજનલ મેનેજર તરીકે ફરજ બજાવતા ૩૯ વર્ષીય વિપુલકુમાર મહેન્દ્રભઆઈ કોઠારીએ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ‘‘ અમારા છાણી ગામમાં વડતાલ સંસ્થાના તાબા હેઠળનું વર્ષોજુનુ સ્વામીનારાયણ મંદિર છે જ્યાં અમારા વડીલો મંદિરમાં સેવાપુજા કરતા આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી સ્વામીનારાયણ ભગવાનની પુજાઆરતી નિયમિત નહી થતી હોવાની મંદિરના ટ્રસ્ટીઓએ વડતાલ સંસ્થાને સ્વામીની નિમણુંક થાય તે માટે પત્ર લખી જાણ કરી હતી જેના પગલા વડતાલ સંસ્થા તરફથી શ્રી રંગસ્વામી અને બાલકૃષ્ણ સ્વામીની છ માસથી નિમણુંક કરાઈ છે અને બંને સ્વામીઓ મંદિરમાં ભગવાનની સેવા-પુજા કરે છે. જાેકે અમારા ફળિયામાં રહેતા દિનેશભાઈ મિસ્ત્રી આ બંને સ્વામી સામે વાંધો ઉઠાવી ઘણા સમયથી ફળિયાના રહીશોને ગેરમાર્ગે દોરી ખોટી ઉશ્કેરણી કરતા હોઈ અમે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

દિનેશભાઈ મિસ્ત્રી અને તેમના મળતિયાઓ મંદિરમાં જઈ જે રૂમમાં સ્વામીઓ રહેતા હોય તેઓને અડચણ થાય તે રીતે અસભ્ય વર્તન કરી મંદિરના પાછળની તરફ સ્વામીના આવવા-જવાના ગેટ પર તાળું મારી દેતા હોય અને છેલ્લા બે દિવસથી દિનેશભાઈ તેમની પત્ની ચંદ્રીકાબેન અને તેઓના મળતિયા માણસો મંદિરના કમ્પાઉન્ડમાં જઈ દર્શને આવતા-જતા હરિભક્તોને દર્શન કરવા રોકવાની શરૂઆત કરી મંદિરના વીજપ્રવાહ પણ બંધ કરી દેતા આ અંગેની સ્વામીઓએ મને ફોન કરી જાણ કરી હતી.

૯મી તારીખના બપોરે હું મારી માતા રમીલાબેન કોઠારી તેમજ ચંદ્રકાન્તભાઈ ડાહ્યાભાઈ મકવાણા, રંજનબેન અશ્વિનભાઈ પરમાર, લલિતાબેન જગદીશ પરમાર અને જશોદાબેન રમણભાઈ પરમાર સાથે મંદિરમાં દર્શન કરવા જતાં મંદિરના પાછળના દરવાજે ધસી આવેલા અમારા ફળિયાના દિનેશભાઈ અને તેમની પત્ની ચંદ્રીકાબેન તેમજ રાજુ ભઈલાલ વણકર અને કિશોર અમૃતભાઈ મિસ્ત્રીએ અમને આંતરીને અપશબ્દો બોલી જણાવ્યું હતું કે તમે મંદિરમાં આ બાવાને પેસાડી દીધો છે, તમે બધા હવેથી આ મંદિરમાં પ્રવેશ કરશો નહી. અમે તે લોકોને અપશબ્દો બોલવાની ના પાડતા જ આ ચારેય જણાએ અમારી પર હુમલો કરી ગડદાપાટુનો માર માર્યો હતો અને મારી વૃધ્ધ માતાને નીચે પાડી દઈ તેમને લાતો મારી હતી જયારે દિનેશભાઈ અને તેમની પત્ની ચંદ્રીકાબેને મારી સાથેના ચન્દ્રકાન્તભાઈનું ગળું પકડી માર માર્યો હતો અને અમને બધાને મારી નાખવની ધમકી આપી હતી.’’ આ ફરિયાદના પગલે પોલીસે ઉક્ત ચારેય હુમલાખોરો સામે ગુનો નોંધ્યો હતો.

જયારે સામાપક્ષે છાણીના વણકરવાસમાં રહેતા ઈન્કમટેક્ષ એકાઉન્ટન્ટ દિનેશભાઈ ખુશાલભાઈ મિસ્ત્રીએ પણ છાણી પોલીસ મથકમાં વળતી ફરિયાદ નોંધાવી હતી કે ‘‘ ૯મી તારીખના બપોરે હું તેમજ મારી પત્ની ચંદ્રીકાબેન, ઈન્દુબેન નટવરભાઈ પરમાર અને કમલેશ નાથાભાઈ મકવાણા સાથે અમારા ફળિયાના સ્વામીનારાયણ મંદિરના પાછળ આવેલા કમ્પાઉન્ડમાં ઝાડ નીચે બેઠા હતા તે સમયે વિપુલભાઈ કોઠારી અને ચન્દ્રકાન્ત ડાહ્યાભાઈ મકવાણાએ મંદિરના આગળના ભાગેથી અમારી પાસે આવી અમને અપશબ્દો બોલી જણાવ્યું હતું કે તમે બધા અહીંયા કેમ બેઠા છો ? આ તમારા બાપની મિલકત છે ? અહિંયાથી બહાર નીકળો. તેઓએ મારી પત્નીના માથાનો ચોટલો પકડી જમીન પર પાડી દઈ ઘસેડવા લાગતા મે પત્નીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેઓએ મારી સાથે પણ મારામારી કરી હતી. આ હુમલામાં મારી પત્નીને પગ અને હાથમાં ઈજા પહોંચી છે જયારે મારો હાથ મંદિરના દિવાલ સાથે અથડાતા સામાન્ય ઈજા થઈ છે. આ ઝઘડાનું કારણ એવુ છે કે વડતાલ સંસ્થાના સ્વામીનારાયણ મંદિરનું આજ્ઞાપત્ર નહી હોવા છતા છ માસથી શ્રી રંગસ્વામી અને બાલકૃષ્ણ સ્વામી અમારા ફળિયાના સ્વામીનારાયણ મંદિરમાં ગેરકાયદે રહે છે. તેઓ આ મંદિર છોડીને જતા રહે તેવી મારી અને ફળિયાના રહીશોની માગણી છે જયારે વિપુલભાઈ કોઠારી અને ચંદ્રકાન્ત મકવાણા અને તેઓના પરિવારજનો આ બંને સ્વામીનું ખોટી રીતે સમર્થન કરતા હોઈ આ મુદ્દે છેલ્લા કેટલાક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે અને અમે ફળિયાના માણસોએ ગઈ કાલથી જ મંદિરના પરિવારમાં રોકાયેલા છે જેથી આ બંનેએ હુમલો કરી મને અને મારી પત્નીને માર મારી ઈજા પહોંચાડી છે’’. આ ફરિયાદના પગલે પોલીસે ઉક્ત બંને હુમલાખોરો સામે ફરિયાદ નોંધી બંને ફરિયાદોની તપાસ શરૂ કરી છે.