ગાંધીનગર:

ગુજરાતમાં પ્રવર્તમાન સંજોગોમાં કોરોના સંક્રમણનું પ્રમાણ નહિવત જેવું છે. ત્યારે બીજી તરફ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કરફ્યૂમાં વધુ છૂટછાટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજયમાં આગામી તારીખ 30મી ઓક્ટોબરથી 30 મી નવેમ્બર સુધી એટલે કે એક મહિના સુધી રાજ્યમાં રાત્રિ કરફ્યૂના અમલમાં બે કલાકની છૂટ આપવામાં આવી છે. એટલે કે, આ દિવસો દરમિયાન રાત્રિના એક વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ રહેશે. આ સાથે રાજયના સિનેમા હોલ તેમજ રેસ્ટોરન્ટના સમય અને તેની ક્ષમતામાં પણ વધારો કરાયો છે. જ્યારે વ્યાપારિક, વાણિજયક એકમો વેપારી ગતિવિધિ માટે રાત્રિના 12 વાગ્યા સુધી ચાલુ રાખી શકશે. નવા પરિપત્ર અનુસાર હવે રાજયમાં સિનેમા 100 ટકાની ક્ષમતા સાથે ખોલી શકાશે તેમજ હોટલ અને રેસ્ટૉરન્ટમાં 75 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

ગુજરાતમાં છેલ્લા ઘણા લાંબા સમયથી કોરોનાના દૈનિક કેસોમાં સતત ઘટાડો નોંધાયેલો જોવા મળી રહ્યો છે. જેના કારણે રાજ્યના આઠ મહાનગરોમાં પ્રવર્તમાન રાત્રિ કરફ્યૂ રાત્રિના 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અમલમાં છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા બે કલાકની રાહત છૂટ આપવામાં આવી છે. આ આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ આગામી તારીખ 30 મી ઓક્ટોબરથી તા. 30 નવેમ્બર સુધી રાત્રિના એક વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી રહેશે. આ સાથે જ દિવાળીની રજાઓમાં લોકો પરિવાર સાથે બહાર જમવા, ફરવા માટે જતા હોય છે. જેને અનુલક્ષીને થિયેટરો 100 ટકા પ્રેક્ષકો તેમજ હોટલ-રેસ્ટૉરન્ટને 75 ટકા ગ્રાહકોની ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે.

આ ઉપરાંત તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ માર્કેટીંગ યાર્ડ, બજાર, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. તેમજ નવા વર્ષમાં સ્નેહ મિલન કાર્યક્રમોમાં ખુલ્લા જગ્યા પર 400 વ્યક્તિઓને બોલાવી શકાશે. આ ઉપરાંત સ્પા સેન્ટરો નિયમ કોરોના ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન સાથે સવારેના 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. સ્પા સેન્ટરના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે.

આ ઉપરાંત રાજયમાં લગ્ન પ્રસંગોમાં અગાઉ 150 વ્યક્તિઓની જે મર્યાદા હતી, તેમાં વધારો કરીને 400 વ્યક્તિઓની છૂટછાટ આપવામાં આવી હતી. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે. આવા આયોજનોમાં લાઉડ સ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની 40 વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે 100 વ્યક્તિઓની મર્યાદા રાખવામાં આવી છે.