દાહોદ,તા.૨૮
લીમખેડાના પાણીયા ગામે ગતરોજ સાંજના સુમારે ચોકડી તરફ જતા હાઇવે પર માતેલા સાંઢની જેમ યમદૂત બની ધસમસતા આવતા કાળમુખા ટ્રકે સામેથી આવતી બે મોટરસાયકલોને અડફેટમાં લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે મોટર સાયકલો પર સવાર ચારે જણા પૈકી એક મહિલા સહિત બે જણાને કાળભરખી ગયાનું તેમજ બેને ગંભીર ઇજાઓ થતા તે બંને સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વાહન ચાલકોની ગફલતને કારણે શરૂ થયેલ ગમખ્વાર અકસ્માતોનો સિલસિલો હજીયે રોકાવાનું નામ લેતો નથી. અને કંઈ કેટલાય નિર્દોષો તેમાં મોતને ભેટ્યા છે. તેવા સમયે ગતરોજ સાંજના છ વાગ્યાના સુમારે લીમખેડાના પાણીયા ગામે ચોકડી તરફ જતા હાઇવે પર બનેલી ગમખ્વાર અકસ્માતની ગોઝારી ઘટનામાં બિહારના મધુબની જિલ્લાના રાજનગર તાલુકાના મગરોની શેખટોલી ગામનો મહંમદ નસીર મહંમદ ઇજરાયલ શેખ નામનો ટ્રક ચાલક તેના કબજાની જીજે- ૦૫બી.યુ.-૪૮૬૧ નંબરની ટ્રક પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી સામેથી આવતી બજાજ પ્લેટીના મોટરસાયકલ તથા સીડી ડીલક્ષ મોટરસાયકલને અડફેટમાં લઈ પોતાના કબજાની ટ્રક સ્થળ પર મૂકી નાસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બજાજ પ્લેટીના મોટરસાયકલ પર સવાર લીમખેડાના નાની બાંડીબાર ગામના દિવ્યાંગ ભાઈ ગોપસીંગભાઇ પટેલ, વિજયભાઈ કરસનભાઈ પટેલ તથા હંસાબેન જશુભાઈ પટેલ તેમજ સીડી ડિલક્સ મોટરસાયકલ પર સવાર લીમખેડાના પાણીયા ગામના અરવિંદભાઈ કાંતિભાઈ પટેલ એમ ચારે જણા પોત પોતાની મોટરસાયકલ પરથી ફંગોળાઈને રોડ પર પટકાતા નાની બાંડીબાર ગામના હંસાબેન જશુભાઈ પટેલને માથામાં તેમજ શરીરે ગંભીર જીવલણ ઇજાઓ થતાં તેનું સ્થળ પર જ અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે નાની બાંડીબાર ગામના દિવ્યાંગભાઈ ગોપસીંગભાઇ પટેલ, વિજયભાઈ કેસરભાઈ પટેલ તથા પાણીયા ગામના અરવિંદભાઈ કાંતિભાઈ પટેલ એમ ત્રણેયને ગંભીર ઇજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળે દોડી આવેલ લીમખેડા પોલીસે સૌપ્રથમ ઉપરોક્ત ત્રણેય ગંભીર ઇજાગ્રસ્તોને સારવાર માટે લીમખેડા સરકારી દવાખાને ૧૦૮ મારફતે મોકલી આપ્યા હતા. અને સ્થળ પર મોતને ભેટેલ હંસાબેન જશુભાઈ પટેલની લાશનુ પંચો રૂબરૂ પંચનામું કરી લાશને પોસ્ટ મોર્ટમ માટે લીમખેડા સરકારી દવાખાનામા મોકલી આપી હતી. લીમખેડા સરકારી દવાખાનામાં સારવાર લઈ રહેલા ઉપરોક્ત ત્રણે ગંભીર ઈજાગ્રસ્તો પૈકી પાણીયા ગામના અરવિંદભાઈ કાંતિભાઈ પટેલની હાલત વધુ ગંભીર બનતા તેઓને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજતા સદર ગમખ્વાર અકસ્માતની ઘટનામાં મૃત્યુ આંક બે પર પહોંચ્યો છે. આ સંબંધે નાનીબાંડીબાર ગામના મરણજનાર હંસાબેન પટેલના પતિ જશુભાઈ રયલાભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદને આધારે લીમખેડા પોલીસે બિહારના મધુબનની જિલ્લાના મગરોની શેખટોલી ગામના ટ્રક ચાલક મહમ્મદ નસીર મહમ્મદ ઇજરાયલ શેખ વિરુદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડ કરવાના ચક્ર ગતિમાન કર્યા છે.
Loading ...