વડોદરા, તા.૨૯

અસહ્ય ગરમીને કારણે શહેરના અલગ-અલગ બે વિસ્તારોમાંથી બેભાન હાલતમાં પડેલા આધેડ મળી આવતાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જેમાં એક નિવૃત્ત સરકારી કર્મચારીનો સમાવેશ થાય છે. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયા હતા.

 પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધામલોદ ગામમાં રહેતા રંગીતભાઈ વીરાભાઇ બારિયા (ઉ.વ.૬૨) ગોધરા ખાતે આવેલ સરકારી સિવિલ સપ્લાય ગોડાઉનમાં પટાવાળા તરીકે નોકરી કરતા હતા. તેઓ સેવાનિવૃત્ત થયા બાદ તેમના પેન્શનની કામગીરી માટે શહેરાથી વડોદરા બસમાં આવ્યા હતા અને એસટી ડેપો ખાતે ઉતરી તેઓ પેન્શનના કામ માટે ચાલતા નર્મદા ભુવન ખાતે આવી રહ્યા હતા, તે વખતે સયાજીગંજ મનુભાઇ ટાવરની સામે ફૂટપાથ ઉપર તેમને અચાનક ચક્કર આવતાં ઢળી પડ્યા હતા અને બેભાન બન્યા હતા. આ બનાવને નજરે જાેનાર વ્યક્તિઓએ વૃદ્ધ રંગીતભાઈની વહારે દોડી આવ્યા હતા અને તેમને સારવાર માટે ૧૦૮ દ્વારા સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે વૃદ્ધ રંગીતભાઈને મૃત જાહેર કર્યા હતા.

તેમની પાસેના થેલાની તપાસ કરતાં થેલામાંથી તેમની નોકરી તથા પેન્શનના કાગળો મળી આવતાં તેમની ઓળખ થઈ હતી. આ સમગ્ર બનાવની જાણ તબીબોએ પોલીસ દ્વારા તેમના પરિવારજનોને કરાઈ હતી. જેથી તેમના પરિવારજનો સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે કોલ્ડરૂમમાં ખસેડયો હતો.

જ્યારે બીજા બનાવની પ્રાપ્ત વિગત મુજબ ખેડા જિલ્લાના નાયકા ગામે રહેતા ભરતસિંહ ધરમશી મકવાણા (ઉં.વ.૫૦) ડ્રાઇવિંગનો ધંધો કરતા હતા. તેઓ પોતાનું વ્હીકલ લઈને સરદાર માર્કેટ આવ્યા હતા. તે બાદ તેઓ પાંજરાપોળની સામે ખુલ્લા મેદાનમાં તાપમાં બેભાન હાલતમાં પડેલા મળી આવ્યા હતા. આ બનાવની જાણ રાહદારીઓને થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાય હતા, જ્યાં ભરતભાઈ મકવાણાને મૃત જાહેર કર્યા હતા. રહસ્યમય સંજાેગોમાં મોતને ભેટેલા બનાવની જાણ હરણી પોલીસને કરવામાં આવી હતી. પોલીસે આ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે કોલ્ડરૂમમાં ખસેડયો હતો.

બપોર દરમિયાન શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન જેવો માહોલ

વડોદરા ઃ સમગ્ર રાજ્યમાં પાંચ દિવસીય હિટવેવની આગાહી હોવાના કારણે મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી સેન્ટીગ્રેડને પાર નોંધાતા બપોર દરમ્યાન સ્વૈચ્છિક લોકડાઉન જેવો માહોલ જાેવા મળ્યો હતો. સમગ્ર રાજમાર્ગો સૂમસામ હાલતમાં જોવા મળી રહ્યા હતા. તે સિવાય અસહ્ય તાપને કારણે અનેક બિમારીઓ , ડીહાઈડ્રેશન સહિતની તકલીફોમાં પણ વધારોે થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અહ્ય તાપનો પ્રકોપ વધતો જતો હોવાથી સમગ્ર રાજ્યમાં હીટવેવની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે અસહ્ય તાપ બાદ આજે મહત્તમ તાપમાનમાં ૧.૮ ડીગ્રી સેન્ટીગ્રેડનો ધટાડો જાેવા મળ્યો હતો. તે છતાં આજે મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી સેન્ટીગ્રેડને પાર જતા સમગ્ર રાજ્માર્ગો સૂમસામ જાેવા મળ્યા હતા.