ગાંધીનગર-

ગાંધીનગર જિલ્લાના વલાદ ગામ નજીકથી પસાર થતી સાબરમતી નદીમાંથી ટ્રેકટરમાં માટી ભરતી વખતે ભેખડ ધસી પડી હતી. આ ભેખડ ધસી પડતાં વલાદ ગામના બે વ્યક્તિનું દટાઈ જવાથી ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. જ્યારે આ ઘટનામાં ટ્રેકટર ચાલકનો આબાદ રીતે બચાવ થયો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગર જિલ્લાનાં વલાદ ગામે ઠાકોર વાસમાં રહેતા 40 વર્ષીય ભરત ડાહ્યાજી ઠાકોર તેમજ એડીસી બેંક પાસે રહેતા 32 વર્ષીય મહેશ રસિકભાઈ પટેલ વલાદ ગામ નજીકથી પસાર થતી સાબરમતી નદીમાંથી માટી કાઢવા માટે ટ્રેકટર લઈને ગયા હતા. આ દરમિયાનમાં ટ્રેકટરના ચાલકે સાબરમતી નદીનાં કોતરમાં ઊંડા ખાડા સુધી ટ્રેકટર લઈ ગયો હતો. જ્યાં આગળ આવેલી માટીની વિશાળ ભેખડ પાસેથી ભરત ઠાકોર અને મહેશ પટેલે ટ્રેકટરમાં માટી ભરવાનું શરૂ કર્યું હતું. ભરત અને મહેશ ટ્રેકટરમાં માટી ભરતાં હતાં તે સમયે અચાનક હજારો ટન વજન ધરાવતી ભેખડ ધસીને ટ્રેકટર ઉપર પડી હતી. જો કે આ ઘટનાની ટ્રેકટરનાં ચાલકને ખ્યાલ આવી જતાં તે ટ્રેકટર મૂકીને દૂર ભાગી ગયો હતો. પરંતુ ટ્રેકટરમાં માટી ભરી રહેલા ભરત અને મહેશને આ બાબતનો ખ્યાલ ન હોવાથી તેઓ ટ્રેકટરનાં ટેલરમાં માટી ભરતાં રહ્યા હતાં. આથી આ વિશાળ ભેખડની માટી ધસી પડતાં ભરત ઠાકોર અને મહેશ પટેલ તેની નીચે દબાઈ ગયા હતા.

આ ઘટનાને લઈને બૂમાબૂમ મચી જતાં ગામના સરપંચ સહિતનાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. એટલું જ નહિ, ગ્રામજનોએ માટી ખસેડવાની કામગીરી શરૂ કરી હતી, પરંતુ ભેખડની માટી વિપુલ પ્રમાણમાં હોવાથી જેસીબી મશીનને મંગાવિને માટીને દૂર કરી ટ્રેકટરના ટેલરને બહાર કઢાયું હતું. આ સાથે માટી નીચે દટાયેલાં ભરત અને મહેશને બહાર કઢાયા હતાં. પરંતુ તેઓ મૃત હાલતમાં હતા. આ બનાવ અંગે જાણ થતાં ડભોડા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ડભોડા પોલીસે બન્ને મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે છાલા પીએચસી કેન્દ્ર ખાતે મોકલી આપ્યા હતાં. આ ઘટના અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વલાદ ગામના બે યુવાનના અકસ્માતે મોત થતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.