વડોદરા, તા. ૨૩

મકરપુરા જીઆઈડીસી પાસેની સોસાયટીમાં પંદર દિવસ અગાઉ ધોળેદહાડે મકાનમાં નિંદ્રાધીન મકાનમાલિકની હાજરીમાં તિજાેરી તોડી ૮૬ હજારથી વધુની મત્તાની ચોરી કરનાર બે તસ્કરોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી તેઓના અન્ય સાગરીતની શોધખોળ હાથ ધરી છે.

મકરપુરા જીઆઈડીસી શાકમાર્કેટ સામે આવેલી ગુરુકૃપા સોસાયટીમાં રહેતા ઈલાબેન કરણસિંહ વિરપુરા મકરપુરા જીઆઈડીસીની કંપનીમાં ફરજ બજાવે છે જયારે તેમનો પુત્ર હંસરાજ પણ ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. ગત ૮મી જાન્યુઆરીએ માતા-પુત્ર નોકરીએ જતા ઘરે ઈલાબેનના પતિ કરણસિંહ હાજર હતા. દરમિયાન બપોરના સમયે કરણસિંહ ઘરમાં સુતા હતા તે સમયે તસ્કરો તેમના મકાનમાં પ્રવેશ્યા હતા અને તેઓએ તિજાેરીનો દરવાજાે તોડી નાખી લોકરમાં મુકેલા રોકડા ૩૫ હજાર તેમજ સોનાચાંદીના દાગીના સહિત કુલ ૮૬,૫૦૦ રૂપિયાની મત્તાની ચોરી કરી હતી. આ બનાવની ઈલાબેને ૨૦મી તારીખે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાન આ ચોરીના બનાવની તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ પણ જાેડાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી કેમેરાના ફુટેજ અને ટેકનીકલ સોર્સની મદદથી તપાસ શરૂ કરી હતી. આ ચોરીમાં હાલમાં માંજલપુના બજાણીયાવાસમાં રહેતા મુળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા સ્થિત ઈન્દારી ગામના વતની મુકેશ નેરસીંગ રાવતની સંડોવણી હોવાની જાણ થતાં પોલીસે મુકેશને લીમખેડાથી ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં તેણે જીઆઈડીસી શાકમાર્કેટ પાસે ભવાનીનગરમાં રહેતા દિપક નેરસિંહ વણકર અને દાહોદના પ્રતાપ તેરસીંગ પરમાર સાથે મળીને ઉક્ત ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેના સાગરીત દિપક વણકરને પણ ઝડપી પાડ્યો હતો. પોલીસે આ બંને તસ્કરો પાસેથી ફોન કબજે કરી તેઓના સાગરીત પ્રતાપ પરમાર અને ચોરીના મુદ્દામાલની શોધખોળ શરૂ કરી છે.