વડોદરા, તા.૩૧

મેલડી માતામાં અપાર શ્રદ્ધા ધરાવતા શહેરના બે યુવાન મિત્રો આણંદ જિલ્લાના મલાતજ ગામે આવેલ મેલડી માતાના મંદિરે બાઈક પર ગયા બાદ દર્શન કરી પરત ફરતી વેળા આણંદ જિલ્લાના બાંધણી ગામ પાસે રવિપુરા રેલવે બ્રિજ પાસે લકઝરી બસના ચાલકે બાઈકને અડફેટમાં લેતાં બંને યુવાનોને શારીરિક ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાનનું શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત મોતના બનાવની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડયા હતા.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ વડોદરા શહેરના દુમાડ ગામે રહેતા વિષ્ણુ અને સમા ગામ વિસ્તારમાં રહેતો ક્રિશ પ્રકાશભાઈ ચૌહાણ (ઉં.વ.ર૧) બંને યુવાન મિત્રો આજે બાઈક લઈને આણંદ જિલ્લાના મલાતજ ગામે આવેલ મેલડી માતાના દર્શને ગયા હતા. આ બંને મિત્રો મેલડી માતાના દર્શન કરીને પરત આવી રહ્યા હતા, તે વખતે આણંદના બાંધણી ગામ પાસે આવેલ રવિપુરા રેલવે બ્રિજ નજીક પૂરઝડપે જતી ખાનગી લકઝરી બસના ચાલકે બંને યુવાન મિત્રોને બાઈકને અડફેટમાં લીધી હતી. જેમાં વિષ્ણુ અને ક્રિશને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં વિષ્ણુ માથું ફાટી જવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ક્રિશને ઈજાઓ થતાં તેને સારવાર માટે શહેરની છાણી સ્થિત ખાનગી હોસ્પિટલમાં લવાયો હતો, જ્યાં તેનું પણ ટૂંકી સારવાર વેળા મોત નીપજ્યું હતું. અકસ્માત મોતના બનાવની જાણ પેટલાદ પોલીસને કરવામાં આવતાં પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો.