વડોદરા, તા.૧૫

ફતેગંજ પોલીસ દ્વારા નવાયાર્ડ વિસ્તારમાં હાથ ધરાયેલા કોમ્બીંગ દરમિયાન સામસામે હુમલો કરવા માટે કારમાં લવાયેલા તેમજ ચાની લારીમાં છુપાવેલા ઘાતક હથિયારોનો જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી છે. પોલીસે બે વૈભવી કારમાંથી તેમજ ચાની લારીમાંથી ઘાતક હથિયારો સાથે ત્રણ યુવકોની ધરપકડ કરી હતી તેમજ તેઓની પાસેથી વાહનો અને હથિયારો સહિત ૧૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ફતેગંજ પોલીસે ગઈ કાલે નવાયાર્ડ વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધર્યું હતું જેમાં નવાયાર્ડ નાળા અલઝુબેર મસ્જીદ પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલી હુન્ડાઈ કંપનીની વર્ના કારમાં તપાસ કરતા કારમાંથી અણીદાર ખીલ્લા લગાવેલા સ્ટીલના ત્રણ પાઈપ અને લોખંડના બે પાઈપ મળી આવતા પોલીસે કારચાલક મહંમદકાસીમખાન ઈરફાન પઠા (ફાતીમાપાર્ક, ગોરવા)ની અટકાયત કરી હતી અને તેની પાસેથી હથિયારો, એક મોબાઈલ ફોન અને કાર સહિત ૫.૧૦ લાખની મત્તા કબજે કરી હતી. પ્રાથમિક પુછપરછમાં જ વર્ના કારની બાજુમાં ઉભેલી મહિન્દ્રા થાર કારમાં પણ હથિયારો હોવાની વિગતો મળતા પોલીસે તુરંત મહિન્દ્રા કારને ઘેરીને તેમાં તપાસ કરી હતી જેમાં લાકડાના ૨૦ ધોકા મળી આવતા પોલીસે કારચાલક મહંમદહુસેન અહેમદનફીસ પઠાણ (સંતોકનગર સોસાયટી, જુના છાણીરોડ)ની અટકાયત કરી તેની પાસેથી હથિયારો અને કાર સહિત ૧૨ લાખની મત્તા કબજે કરી હતી.

જંગી પ્રમાણમાં ઘાતક હથિયારો લઈને કેમ આવ્યા છે તેની પોલીસે પુછપરછ કરતા ઉક્ત બંને યુવકોએ જણાવ્યું હતું કે નવાયાર્ડ ચિસ્તિયાનગરમાં રહેતા ઈકબાલ સાથે તેઓની અદાવત છે અને ઈકબાલે પણ હથિયારો રાખ્યા હોવાની જાણ થતાં તેઓએ વળતા હુમલાની તૈયારી માટે આ હથિયારો લાવ્યા છે. આ વિગતોના પગલે પોલીસે છાણી ચિસ્તીયાનગરમાં રહેતા ઈકબાલ કલ્લુભાઈ પઠાણને ઝડપી પાડ્યો હતો અને ઈકબાલે તેની ચાની લારીની આડમાં મુકેલા વાસના મજબુત ૧૨ દંડા કબજે કર્યા હતા. પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કુલ ૧૭.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.