ચોરીની શંકાથી બે યુવકોને દોરડાથી બાંધીને ફટકાર્યા, ર્નિવસ્ત્ર કરી વીડિયો ઉતારી ૯૩ હજાર લૂંટી લીધા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, એપ્રીલ 2026  |   સુરત   |   3564

માર્કેટમાંથી કાપડનાં તાકા ચોરી કરતાં હોવાની શંકા રાખી ટેમ્પો ચાલક અને તેના મિત્રને પાર્કિંગમાં ગોંધી ઢોર માર માર્યા બાદ ર્નિવસ્ત્ર કરી વીડિયો ઉતારાયા હતાં. ચોરી કરતા હોવાના કોઇ પુરાવા નહીં હોવા છતાં અમાનુષી અત્યાચાર ગુજાર્યા બાદ ટેમ્પોચાલકનાં મિત્ર પાસે રોકડા ૨૬ હજાર લૂંટવા સાથે ગળે ચાકુ મૂકી તેના મોબાઇલમાંથી ૭૦ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતાં.

મળતી માહિતી અનુસાર નવાગામ ડિંડોલીની રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં રહેતાં સૂર્યકાંત દોંદુ પાટીલ તેના બનેવી સમાધાન પાટીલ સાથે માર્કેટમાં ટેમ્પો ભાડેથી ફેરલી છે. તેઓ અલગ અલગ માર્કેટમાં કાપડના તાકાની ડિલીવરી કરતાં આવ્યા છે. ૧૧મી એપ્રિલે સવારે આઠેક વાગ્યે સૂર્યકાંત ટેમ્પો લઇ માલની ડિલિવરી કરવા માર્કેટમાં ગયો હતો. બપોરે એકાદ વાગ્યે તે ડીએમડી માર્કેટમાં કાપડના તાકા નાંખી ત્યાંથી સંસ્કૃતિ માર્કેટ સામે આવેલા રાધાક્રિષ્ના પાર્કિંગમાં પહોંચ્યો હતો. તેણે પાર્કિંગમાં હાજર બુધારામને માલની ડિલિવરી કરી ચલણ લઇ લીધું હતું. અહીં બુધારામે એક તાકો ઓછો હોવાનું જણાવ્યું હતું. સૂર્યકાંતે મૈને હિસાબ કર કે માલ ડાલા હૈ, આપ ફીર સે ચેક કરો એમ કહેતાં બુધારામે તેના ઓળખીતા શેઠી રામભાઇ, રાજેશકુમાર અને વિનોદને માર્કેટમાંથી બોલાવ્યા હતાં.

આ ત્રણ જણા રાધાક્રિષ્ના પાર્કિંગમાં આવ્યા એટલે તેમણે ભેગા મળી સૂર્યકાંતને તુ હી માલ ચોરી કરતા હોય એમ કહી ગાળો ભાંડી માર મારવા માંડ્યો હતો. ઢીક મુક્કી અને લાતોથી માર માર્યા બાદ આ ચાર જણાએ સૂર્યકાંતને દોરી વડે બાંધી પતરાના શેડ નીચે બેસાડી દીધો હતો. બાદમાં શેઠીરામ તથા બુધારામે સૂર્યકાંતનાં કપડા કાઢી નાંખ્યા હતાં. ર્નિવસ્ત્ર કરી મોબાઇલ ફોનમાં તેનો વીડિયો બનાવ્યો હતો.

ત્યારબાદ આ ટોળકીએ "તુ રોજ માલ ચોરી કરતા હૈ ઔર માર્કેટમાં કહા બેચતા હૈ? વો આદમી કે પાસ હમે લે કે ચલ. નહી તો હમ તુજે આજ છોડેંગે નહી ઔર જાન સે માર દેંગે."કહીને ધમકાવ્યો હતો. આ સાથે શેઠીરામ સૂર્યકાંતનો મોબાઇલ આંચકી લઇ તેનાથી તેના મિત્ર અનિકેતને કોલ ડીએમડી માર્કેટ બોલાવ્યો હતો. દરમિયાન સૂર્યકાંતે કપડા પહેરી ભાગવાની કોશિશ કરી હતી. જાે કે ટોળકીએ તેને ફરીથી પકડી લીધો અને મોઢું દબાવી બળજબરીથી ટેમ્પોમાં બેસાડી ડીએમડી માર્કેટ લઇ ગયા હતાં.

સૂર્યકાંતનાં મોબાઈલથી કોલ કરાયો હોય તેનો મિત્ર અનિકેત પણ મોપેડ લઇ ડીએમડી પહોંચ્યો હતો. ચાર જણાએ તેને પણ પકડી લઇ તુ ચોરી કા માલ બેચતા હૈ એમ કહી ગાળાગાળી કરવા માંડી હતી. સાથે જ તેને પણ બળજબરીથી ટેમ્પોમાં બેસાડ્યો અને ફરીથી રાધા ક્રિષ્ના પાર્કિંગ લઇ આવ્યા હતાં. અહીં સૂર્યકાંત અને અનિકેતને દોરીથી બાંધી દઇ ઢોર માર મરાયો હતો.

 બુધારામ અને શેઠીરામ દંડા અને ચપ્પુ લઇને આવ્યા બંનેને ફટકાર્યા હતાં. સાથે જ બુધારામએ અનિકેતના ખિસ્સામાં હાથ નાંખી રોકડા રૂપિયા ૨૩,૦૦૦ અને મોબાઇળ ફોન બળજબરીથી કાઢી લીધા હતાં. ત્યારબાદ શેઠીરામે અનિકેતના ગળા પર ચાકુ મૂકી મોબાઇલમાં ફોન પે એપ્લિકેશન ખોલાવી હતી. ફોન પેનો પાસવર્ડ જાણી તેઓએ બે અલગ અલગ સ્કેનરમાં ૪૦ અને ૩૦ મળી કુલ ૭૦ હજાર ટ્રાન્સફર કરી લીધા હતાં.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution