વડોદરા, તા.૫

ખાણ ખનીજ વિભાગમાં કડક કહેવાતા ભુસ્તર શાસ્ત્રીની નિમણૂંક છતા જિલ્લામાં ઠેરઠેર ખનીજ ચોરીની પ્રવૃતીઓ ફુલીફાલી છે. ત્યારે વિભાગને ફરિયાદો મળવા છતા કાર્યવાહી નહીં કરાતી હોવાની ફરિયાદો ઉઠી છે. જાેકે છેલ્લા બે દિવસથી એકાએક જાગૃત થયેલા ખાન ખનીજ વિભાગે સાવલી તાલુકાના ડેસર બાદ કરજણ તાલુકાના કોઠિયા ગામે દરોડા પાડી રેતીની ચોરી અટકાવી ૫૦ જેટલી કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ખાણ અને ખનીજ ખાતાના ભુસ્તશાસ્ત્રીની કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા ખનીજાેના બિન અધિકૃત ખાણકામ અને પરિવહન પર ચાંપતી નજર રાખીને અટકાવવાની કામગીરી કરવામાં આવે છે. મંગળવારે આ ટીમે કરજણ તાલુકાના કોઠિયા ગામે નર્મદા નદીના પટમાં હાથ ધરેલી આકસ્મિક તપાસ દરમિયાન સાદી રેતી ખનીજના બિન અધિકૃત ખનન અને વહનની પ્રવૃતિનો પર્દાફાશ થયો હતો. ઘટના સ્થળે બે લોડર મશીન અને બે સાદી રેતી ભરેલી ટ્રકો મળી આવતાં જપ્ત કરીને લીઝ ધારક અતુલ પટેલની કસ્ટડીમાં મુકવામાં આવી હતી. આ દરોડામાં અંદાજે રૂા.૪૯ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું ભુસ્તરશાસ્ત્રી નિરવ બારોટે જણાવ્યું છે.