વડોદરા, તા. ૧૭

ભર ઉનાળે બપોર દરમ્યાન વિજ્ળીના ચમકારા સાથે એકાએક ધોધમાર વરસાદની સાથે વિવિધ વિસ્તારોમાં બરફના કરા પડતા શહેરીજનોમાં ભારે કુતુહલ સર્જાયું હતું. ભારે પવનો સાથે વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં મહાકાય વૃક્ષો ધરાશયી થયા હતા. રસ્તા વચ્ચે વૃક્ષો ધરાશયી થવાની સાથે બરફના કરા વરસતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. બપોર દરમ્યાન સતત એક કલાક સુધી વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉનાળામાં તાપને બદલે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કમોસમી વરસાદને પગલે પાણીજન્ય અને મચ્છર જન્ય રોગોમાં પણ વધારો જાેવા મળ્યો હતો.

સાકલોનિક સક્ર્યુલેશનને પગલે વાતાવરણમાં પલટો આવતા હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી જાહેર કરવામાં આવી હતી. ત્યારે બે દિવસ બાદ આજે ફરીથી બપોર દરમ્યાન ભારે પવનો અને વિજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ધોધમાર વરસાદની સાથે બરફના કરાં પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું. ભારે પવનની સાથે વરસાદ વરસતા કેરી, ધઉં તેમજ ઉભા પાકને ભારે નુકશાન થયુ હતું. બપોરે સતત એક કલાક શહેર – જીલ્લામાં વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તે સિવાય ગોત્રી , છાણી , ગોરવા સહિતના ના વિસ્તારોમાં બરફના કરા સાથે વરસાદ વરસતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. એકાએક બરફના કરાં પડતા શહેરીજનોમાં કુતુહલ સાથે જનજીવન પણ ખોરવાયું હતું. ભારે વરસાદ પડતા વિવિધ વિસ્તારોમાં મહાકાય વૃક્ષો પણ ધરાશયી થતા વાહનચાલકો દબાયા હતા. વાતાવરણના બદલાવને કારણે ફાયરબ્રિગેડ ની ટીમ પણ સક્રીય બની જતા જાનહાની ટળી હતી. મિશ્ર ઋતુને પગલે શહેરીજનોમાં બિમારીનું પ્રમાણ પણ વધેલું જાેવા મળ્યું હતું. એક અઠવાડિયાથી સતત છૂટાછવાયા વરસાદને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો નોંધાતા ખાનગી અને સરકારી હોસ્પીટલોમાં દર્દીઓની ભારે ભીડ જાેવા મળી હતી. તે સિવાય કોરોના સહિતના અન્ય રોગોમાં પણ વધારો જાેવા મળ્યો હતો.

બરફના કરા વરસતાં તાપમાનમાં એક ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો

બપોર દરમ્યાન બરફના કરાં સાથે વરસાદ વરસતા મહત્તમ તાપમાનમાં ૧.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ ધટાડા સાથે તાપમાન ૩૩ ડીગ્રી સેન્ટીગ્રેડ અને લધુત્તમ તાપમાન ૨૩ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ દિવસ દરમ્યાન ૭૭ ટકાની સાથે સાંજે ૬૮ ટકા નોંધાયું હતું. તે સિવાય હવાનું દબાણ ૧૦૦૭.૪ મીલીબાર્સની સાથે દક્ષિણ – પશ્ચિમ દિશા તરફથી આઠ કિં.મી.ની ઝડપે પવન ફૂકાંયા હતા.

ક્યાં કેટલો વરસાદ?

વાતાવરણમાં એકાએક પલટો આવવાના કારણે એક અઠવાડિયાથી સતત છૂટાછવાયા વરસાદ વચ્ચે આજે બપોરે બે વાગ્યાથી સતત એક કલાક સુધી ધોધમાર વરસાદ વરસતા વડોદરા શહેરમાં સત્તર એમ.એમ. જ્યારે પાદરા ખાતે પાંચ એમ.એમ. કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે અન્ય સ્થળોએ છૂટુછવાયું ઝાપટું વરસતા વાતાવરણમાં ઠડક પ્રસરી હતી.

અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં રહીશોમાં આક્રોશ

એક કલાક વરસાદ વરસતા સયાજી હોસ્પીટલ સહિત વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા રહીશોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જાેકે સાંજ દરમ્યાન પાણી ઓસરતા રાહત થઈ હતી. પરતું નિચાણવાળા વિસ્તારોમાં પાણી ન ઓસરતા રહીશોમાં આક્રોશ જાેવા મળ્યો હતો. તે સિવાય ગોરવા વિસ્તારમાં ભૂવો પડતા વાહનચાલકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એક ઈંચ કરતા પણ ઓછા વરસાદમાં પણ રોડ ધોવાઈ જતા શહેરીજનોમાં આક્રોશ જાેવા મળ્યો હતો.