લખીમપુર-

યુપીના લખીમપુરમાં ખેડૂતો અને મંત્રીના પુત્ર વચ્ચે થયેલી અથડામણ બાદ હિંસક ઘટનામાં આઠ લોકોના મોતને કારણે રાજ્યભરમાં હંગામો ચાલુ છે. કૃષિ કાયદા અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના નિવેદનનો વિરોધ કરી રહેલા ખેડૂતો અને મંત્રીના પુત્ર વચ્ચે રવિવારે હિંસક મુકાબલો થયો. આ ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા. આ દરમિયાન કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી લખીમપુર પહોંચી ગયા છે. આ સિવાય ખેડૂત નેતા રાકેશ ટીકાઈત પણ લખીમપુર પહોંચ્યા છે. આ ઘટનાના વિરોધમાં ખેડૂતોએ દેશભરમાં દેખાવો કરવાની જાહેરાત કરી છે.

લખીમપુર હિંસાના વિરોધમાં તેમના નિવાસસ્થાનની બહાર ધરણા પર બેઠેલા પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું કે, અંગ્રેજોએ એટલો અત્યાચાર કર્યો નથી જેટલો ભાજપ સરકાર ખેડૂતો પર કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ અને જે નાયબ મુખ્યમંત્રી પાસે કાર્યક્રમ હતો તેમણે પણ રાજીનામું આપવું જોઈએ. જે ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને 2 કરોડ રૂપિયા આપવા જોઇએ, પરિવારને સરકારી નોકરી મળવી જોઇએ. પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, જેઓ તેમના નિવાસસ્થાનની બહાર લખીમપુર હિંસાનો વિરોધ કરી રહ્યા હતા, તેમની ધરપકડ કરવામાં આવી છે. અખિલેશ યાદવની ધરપકડ કર્યા બાદ પોલીસ તેને ઈકો ગાર્ડન લઈ જઈ રહી છે.