મુંબઇ-

શિવસેનાના મુખપત્ર સામનામાં શનિવારના રોજ યુપીએ અને તેમના સહયોગીઓને બરાબરના આડે હાથ લીધા છે. ખેડૂત આંદોલનને લઇ વિપક્ષની એકજૂથતા ના હોવાને લઇ પણ સામનામાં જાેરદાર આલોચના કરી. સંપાદકીયમાં શિવસેનાએ કહ્યું કે જાે ખેડૂત આંદોલનના 30 દિવસ બાદ પણ પરિણામ નીકળી શકતું નથી તો સરકાર એ વિચારે છે કે તેને કોઇ રાજકીય ખતરો નથી. કોઇપણ લોકતંત્રમાં વિપક્ષ અગત્યનું પાત્ર ભજવે છે. પરંતુ કોંગ્રેસ અને યુપીએ મોદી સરકાર પર દબાણ બનાવામાં નિષ્ફળ રહ્યું.

સામનામાં લખ્યું કે કોંગ્રેસના નેતૃત્વમાં એક ‘યુપીએ’ નામનું રાજકીય સંગઠન છે. એ ‘યુપીએ’ની હાલત એકાદ ‘એનજીઓ’ જેવી દેખાય છે. યુપીએના સહયોગી પક્ષ પણ ખેડૂતોના અસંતોષને ગંભીરતાથી લેતા દેખાતા નથી. યુપીએમાં કેટલાંક દળ હોવા જાેઇએ પરંતુ તે કોણ અને શું કરે છે? તેને લઇ ભ્રમની સ્થિતિ છે.

સામના એ લખ્યું કે રાહુલ ગાંધી પૂરતું કામ કરી રહ્યા છે પરંતુ તેમના નેતૃત્વમાં કેટલીક કમી છે. કોંગ્રેસના પૂર્ણકાલીન અધ્યક્ષની જરૂર છે. યુપીએને વધુ ક્ષેત્રીય પાર્ટીઓની જરૂર છે પરંતુ આવું ભવિષ્યમાં શકય થાય તેવું દેખાતું નથી. માત્ર શરદ પવાર જ યુપીએમાં દેખાય છે. તેમની સ્વતંત્ર વિચારસરણી છે. તેમના અનુભવનો લાભ પ્રધાનમંત્રી મોદી સુધ્ધાં લે છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાએ સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવી છે.

સામનામાં આગળ કહ્યું કે યુપીએમાં ગડબડી છે અને વિપક્ષને એકજૂથ કરવા માટે નેતૃત્વની જરૂર છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને અન્ય રાજ્યોમાં નેતા ભાજપની વિરૂદ્ધ લડાઇ લડી રહ્યા છે પરંતુ તેઓ યુપીએના બેનર નીચે આવવા માંગતા નથી. મમતા બેનર્જીએ એનસીપી ચીફ શરદ પવારની મદદ લીધી કારણ કે ભાજપ સરકારી મશીનરીનો ઉપયોગ કરીને બંગાળમાં રાજ્ય સરકાર પર દબાણ બનાવી રહ્યું હતું. શરદ પવાર પશ્ચિમ બંગાળ જઇ રહ્યા છે. આ જ સમય છે કે વિપક્ષ એકજૂથ થાય અને મમતા બેનર્જીને સમર્થન આપે, ત્યારે જ ભાજપ પર દબાણ બનાવી શકાય છે. સામનામાં આગળ લખ્યું કે હાલ લોકતંત્રનું જે ધનોતપનોત શરૂ છે, તેના માટે ભારતીય જનતા પાર્ટી કે મોદી-શાહની સરકાર જવાબદાર નથી. પરંતુ વિરોધી દળ સૌથી વધુ જવાબદાર છે. વર્તમાન સ્થિતિમાં સરકારને દોષ દેવાની જગ્યાએ વિરોધીઓને આત્મચિંતન કરવાની જરૂર છે.