વડોદરા, તા.૩૧

હરણી લેક ઝોનની દુર્ઘટના બાદ એક્શનમાં આવેલા પાલિકાતંત્રે પોતાના જ પાંચ અતિથિગૃહો જર્જરિત હોવાનું જણાવી તાત્કાલિક બંધ કરવા જણાવતાં પાંચ અતિથિગૃહો બંધ કરીને તમામ બુકિંગ રદ કરી દેવાતાં લગ્ન કે અન્ય પ્રસંગો માટે આ અતિથિગૃહોનું બુકિંગ કરાવનારાઓમાં દોડધામ મચી હતી અને બુકિંગ કરાવનારા પરિવારના સભ્યો દ્વારા મેયર અને મ્યુનિ. કમિશનરને રજૂઆત કરતાં વચગાળાનો રસ્તા કાઢીને તા.૧૦મી ફેબ્રુઆરી સુધી અતિથિગૃહોના ઉપયોગ માટે છૂટ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ગત તા.૧૮મીએ હરણી લેક ઝોન ખાતે સર્જાયેલી હોડી દુર્ઘટના બાદ પાલિકા હસ્તકની તમામ બિલ્ડિંગો, ટાઉનહોલ, કોમ્યુનિટીહોલ સહિતના સ્ટ્રકચર સ્ટેબિલિટીની તપાસ કરવા કમિટી બનાવી હતી જેમાં પાલિકાના અતિથિગૃહો પૈકીના સયાજીબાગ-૩, માંજલપુર, વાડી પ્રેમાનંદ, સુભાનપુરા અને સરદારબાગ અતિથિગૃહો જર્જરિત હોવાના રિપોર્ટના આધારે સદંતર બંધ કરવા નોટિસ અપાતાં આ અતિથિગૃહો બંધ કરીને તમામના બુકિંગ રદ કરવાની જાણ કરતાં અગાઉથી લગ્નપ્રસંગો માટે બુકિંગ કરાવનારા પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે તકેદારી રાખવાની હતી ત્યારે નિષ્ફળ રહેલા અધિકારીઓ સફાળા જાગ્યા હતા. પરંતુ અતિથિગૃહો બંધ કરવાના નિર્ણયને પગલે મુશ્કેલીમાં મુકાયેલા લોકો પાલિકાની કચેરીએ દોડી ગયા હતા.

બુકિંગ કરાવનારા લોકોએ કહ્યું હતું કે, લગ્નની કંકોતરી પણ આપી દેવામાં આવી છે. ત્યારે આ મુદ્‌ે મેયર અને મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી હતી. જાે કે, વૈકલ્પિક વ્યવસ્થા અન્ય અતિથિગૃહોમાં કરી શકાય કે કેમ તે અંગે વિચારણા કરાઈ હતી. જાે કે, અતિથિગૃહો અચાનક બંધ કરવાના નિર્ણયને લઈને હોબાળો થતાં વચલો રસ્તો કાઢીને જે લોકોએ અગાઉથી બુકિંગ કરાવ્યાં છે તેવાને તા.૧૦મી સુધી અતિથિગૃહોના ઉપયોગ માટે બાંહેધરી લઈને છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.