દિલ્હી-

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોટાભાગની ચૂંટણી સર્વેક્ષણોમાં ડેમોક્રેટ ઉમેદવાર જાે બિડેન કરતાં ઘણા પાછળ ચાલી રહ્યા છે. જાે ડોનાલ્ડ ટ્રમ્પ 3 નવેમ્બરની રાષ્ટ્રપતિની ચૂંટણી હારે છે તો 28 વર્ષનો રેકોર્ડ તૂટી જશે.

જાે આમ થયું તો તે 1992 માં જ્યોર્જ બુશ સિનિયર બાદ પહેલાં રાષ્ટ્રપતિ હશે, જેમને બીજાે કાર્યકાળ નહીં મળી હોય. બુશ સિનિયર પણ રિપબ્લિકન હતા. સીનિયર બુશ એક ટર્મ બાદ 1992ની ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદ ડેમોક્રેટ બિલ ક્લિન્ટન, રિપબ્લિકન જ્યોર્જ બુશ અને ડેમોક્રેટ બરાક ઓબામા 8-8 વર્ષ રાષ્ટ્રપતિ રહ્યા છે. ટ્રમ્પે પોતાનો ચાર વર્ષનો કાર્યકાળ પૂરો કરી દીધો છે.

જાે 78 વર્ષના બિડેન ચૂંટણી જીતે છે તો 32 વર્ષ જૂનો રેકોર્ડ ફરી સર્જાશે. મજાની વાત એ છે કે તે પણ જ્યોર્જ બુશ સિનિયરના રેકોર્ડને પુનરાવર્તિત કરશે. વાત એમ છે કે 1988માં રાષ્ટ્રપતિ બનતા પહેલા બુશ સિનિયર તેમના પૂર્વગામી રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગનના કાર્યકાળમાં આઠ વર્ષ માટે ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા. પછી અમેરિકન ચૂંટણીના ઇતિહાસમાં 152 વર્ષ પછી એવું કારનામું થયું હતું કે કોઈ વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ બન્યાના આઠ વર્ષ પછી રાષ્ટ્રપતિ બન્યા હોય. બિડેન પણ બરાક ઓબામાના શાસનમાં આઠ વર્ષ ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા.

જાે બિડેન 2020ની ચૂંટણી જીતે છે તો તેમના દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદ માટે નામાંકિત કમલા હેરિસ પણ ઇતિહાસ રચશે. કમલા હેરિસ અમેરિકન રાજકારણમાં આ તબક્કે પહોંચનાર ભારતીય મૂળની પ્રથમ મહિલા હશે. હેરિસ હાલમાં કેલિફોર્નિયાના સેનેટર પણ છે.