અમેરિકા-ઈરાન યુદ્ધથી ઓઈલના ભાવ વધતા બંને દેશોનો વિકાસ દર ઘટશે  : ચીન અને ભારત પર માઠી અસર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, એપ્રીલ 2026  |   4356


અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ માત્ર સરહદો પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ હવે તેની અસર દુનિયાના ખિસ્સા પર પડી રહી છે. ઇસ્લામાબાદમાં થયેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ જતાં અને હોર્મુઝની ખાડીમાં તણાવ વધતા ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થયો છે. આ સ્થિતિ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રે એશિયાના આર્થિક એન્જિન ગણાતા ચીન અને ભારત માટે ચિંતાજનક અનુમાન જાહેર કર્યા છે.

ચીન જે વિશ્વનું સૌથી મોટું તેલ આયાતકાર છે, તેના માટે UNનો રિપોર્ટ ખતરાની ઘંટી સમાન છે. વર્ષ ૨૦૨૫ માં ચીનનો ગ્રોથ રેટ ૫% રહ્યો હતો, જે આ વર્ષે ઘટીને ૪.૩% થી ૪.૬% ની વચ્ચે રહેવાની શક્યતા છે. આ ઉપરાંત સપ્લાય ચેઈન ખોરવાઈ છે. વેનેઝુએલા પર ટ્રમ્પના અંકુશ બાદ હવે ઈરાન યુદ્ધને કારણે તેલ અને ગેસના પુરવઠામાં જે અવરોધ આવ્યો છે, તેની સૌથી સીધી અને નકારાત્મક અસર ચીન પર પડી છે.UNએ માત્ર ચીન જ નહીં, પણ ભારતની વિકાસની રફ્તાર પર પણ બ્રેક વાગવાની આશંકા વ્યક્ત કરી છે. ગયા વર્ષે ૭% થી વધુની ઝડપે દોડતું ભારતનું અર્થતંત્ર આ વર્ષે ૬% ની આસપાસ સીમિત રહે તેવી શક્યતા છે. મિડલ ઈસ્ટના યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલ, ગેસોલિન અને ફર્ટિલાઈઝરના ભાવમાં થયેલો વધારો ભારત જેવા કૃષિપ્રધાન અને ઉર્જા ર્નિભર દેશ માટે મોટો પડકાર છે. એશિયા-પેસિફિક વિસ્તાર વૈશ્વિક વિકાસનું એન્જિન છે. જાે આ એન્જિનની ગતિ ધીમી પડશે, તો તેની અસર આખી દુનિયા પર જાેવા મળશે. એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ પણ અનુમાન લગાવ્યું છે કે ૨૦૨૬ માં આ પ્રદેશનો ગ્રોથ રેટ ૫.૧% રહેશે, જે અગાઉના ૫.૪% કરતા ઓછો છે.

 હોર્મુઝ ટેન્શન વચ્ચે ભારત અને રશિયાનો મોટો ખેલ

ભારત સરકારે રશિયાથી ઓઇલ લાવતા જહાજાે માટે વીમો આપતી રશિયન કંપનીઓની સંખ્યા વધારવાનો ર્નિણય લીધો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ દ્વારા અગાઉ ૮ કંપનીઓને મંજૂરી અપાઈ હતી, જે હવે વધારીને ૧૧ કરી દેવાઈ છે. ભારતનો આ ર્નિણય દેશની ઊર્જા સુરક્ષા માટે એક મજબૂત ‘સુરક્ષા કવચ‘ સમાન માનવામાં આવે છે. કંપનીઓ જહાજાેને ખાસ પ્રકારનો વીમો પૂરો પાડે છે, જેને P&I કવરકહેવામાં આવે છે. આ વીમા વગર કોઈપણ જહાજ આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં કાર્ય કરી શકતું નથી

અમેરિકા-ઈરાનમાં શાંતિ મંત્રણા નિષ્ફળથી દુનિયામાં ફફડાટ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ‘દબાણની કૂટનીતિ’ અને ઈરાનની લાંબુ ખેંચવાની ‘લોન્ગ ગેમ‘ વ્યૂહનીતિ સામસામે આવી ગઈ છે. ટ્રમ્પ ઈચ્છે છે કે ઈરાન તરત જ શરણાગતિ સ્વીકારે અને મોટા ર્નિણયો લે, જ્યારે ઈરાની નેતૃત્વ આ પ્રક્રિયાને સમય આપીને ધીમી પાડવા માંગે છે. આ ખેંચતાણ વચ્ચે બંને દેશોમાં અવિશ્વાસ એટલો ઊંડો છે કે ઈરાન હવે અમેરિકા સાથેના કોઈપણ કરારને વ્યર્થ માની રહ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ખુલ્લી ચેતવણી આપી છે કે જાે ઈરાન સમજૂતી માટે તૈયાર નહીં થાય, તો અમેરિકા તેના દરેક પાવર પ્લાન્ટ અને પુલને નષ્ટ કરી દેશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution