દિલ્હી-

દેશમાં કોરોના વેકસીનેશન કાર્યક્રમ ગોટે ચડી ગયો છે. ગત સપ્તાહમાં 18 થી 44 વર્ષના લોકોને વેકસીન આપવાનું 3 દિવસ મુલત્વી રખાયુ હતુ તો બીજી તરફ 4પ વર્ષ કે તેથી વધુના લોકોને નિશુલ્ક વેકસીનેશન કાર્યક્રમ ચાલે છે તે પણ થંભાવી દેવાયો હતો અને મોટાભાગના રાજયો હજુ વેકસીનના પુરતા ડોઝ મળે તેની રાહમાં છે તે વચ્ચે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ દાવો કર્યો હતો કે ફકત 20 દિવસમાં દેશમાં વેકસીનની તંગી ખત્મ કરી શકાય છે. ગડકરીએ કહયુ કે ભારતમાં જે વેકસીનનું ઉત્પાદન થાય છે તેવી વેકસીન બનાવવાનું લાયસન્સ અન્ય કંપનીઓને પણ મળવુ જોઇએ અને તેની પાસેથી રોયલ્ટી મેળવી શકાય તેમ છે. થોડા દિવસ પહેલા જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પણ આવો જ પ્રસ્તાવ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં ઓછામાં ઓછી ર0 ફાર્મા કંપનીઓ શકય તેટલા ઓછા સમયમાં વેકસીન ઉત્પાદન માટે સુવીધા ધરાવે છે. ગડકરીએ તેનો સંકેત આપતા કહયુ કે આ રીતે વેકસીન ઉત્પાદન વધારીને દેશમાં વેકસીનેશનના કાર્યક્રમને ઝડપી બનાવી શકાય છે.