વડોદરા-

પાદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ યોગેશ પુરોહિતને બાતમી મળી હતી કે, ભાવેશ ઉર્ફે લાલો નામનો બુટલેગર વડોદરાથી કારમાં દારૂ ભરીને આવી રહ્યો છે. જે બાતમીને આધારે પોલીસ કોન્સ્ટેબલ યોગેશે ભાવેશ ઉર્ફે લાલુને પાદરામાં પ્રવેશ દ્વાર પર રોકવાની કોશિશ કરી હતી. પરંતુ લાલુએ કાર રોકવાને બદલે પોલીસ કોન્સ્ટેબલને કારની ટક્કર મારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. કારની ટક્કર વાગતાં પોલીસ કોન્સ્ટેબલને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેઓને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નગરપાલિકાના સભ્ય અને કુખ્યાત બુટલેગર ભાવેશ ઉર્ફે લાલુ ગાડીમાં દારૂ ભરીને આવતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેને પગલે વોચ અને નાકાબંધી ગોઠવવામાં આવતાં તેની કારને રોકવાનો પ્રયાસ કરનાર પોલીસ કોન્સ્ટેબલ ઉપર તેણે ગાડી ચડાવી દઈ કોન્સ્ટેબલને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. દારૂ ભરેલી કારની ટકકરે ફંગોળાયેલા કોન્સ્ટેબલ યોગેશ પુરોહિતને ઈજાગ્રસ્ત હાલતમાં પ્રાથમિક સારવાર માટે સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ચોંકી ઊઠયા હતા અને પોલીસ ઉપર હુમલો કરી ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેમાં આરોપી ભાવેશ ઉર્ફે લાલુને પાદરા પોલીસે ગણતરીની મિનિટોમાં કાર સાથે ઝડપી પાડયો હતો. જોકે, પોલીસ પહોંચે તે પહેલાં જ ગાડીમાંથી દારૂનો જથ્થો સગેવગે થઈ ગયો હોવાથી જથ્થો મળ્યો ન હતો. જોકે, પોલીસ ઉપર જીવલેણ હુમલાની કલમ હેઠળ આરોપીની અટકાયત કરી તેનો કોરોના ટેસ્ટ કરાવીને પાદરા પોલીસે તજવીજ હાથ ધરી હોવાની માહિતી મળી હતી.