વડોદરા, તા.૧૨

મધ્ય ગુજરાતમાં એક પછી એક જિલ્લાને ધમરોળી રહેલા મેઘરાજાએ વડોદરા શહેરમાં જમાવટ કરી છે. શહેરમાં સમી સાંજે ગાજવીજ સાથે થયેલા ધોધમાર વરસાદને પગલે સમગ્ર વડોદરા શહેર જળબંબાકાર થઇ ગયું હતું. જાેતજાેતામાં વડોદરા શહેરના મુખ્ય માર્ગો પર ઘુંટણ સમાં પાણી ભરાતા સામાન્ય જન જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. અને પાલિકાના પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી.

 સાંજે ૪ વાગ્યા બાદ શહેરમાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી. ભારે વરસાદને પગલે શહેરના જેલ રોડ,વાઘોડિયા રોડ, પાણીગેટ, એમ.જી. રોડ, અમદાવાદી પોળ, રાવપુરા રોડ, દાંડિયા બજાર, સહિત શહેરના તમામ વિસ્તારોમાં મુખ્ય માર્ગો ઘુંટણ સમાં પાણી ભરાઈ ગયા હતા. મુશળધાર વરસાદને કારણે બેઝમેન્ટમાં દુકાનો ધરાવતા વેપારીઓએ પોતાની દુકાનનો માલસામાન સલામત સ્થળે ખસેડવાની શરૂઆત કરી દીધી હતી. સાંજે ૫ વાગે છૂટતી શાળાઓના વિદ્યાર્થીઓને લઇ ઘરે આવતી સ્કૂલ વાન તેમજ સ્કૂલ વર્ધી ઓટો રિક્ષાઓ માર્ગો ઉપર ભરાયેલા પાણીમાં અટવાઇ ગયા હતા.જિલ્લા પૂર નિયંત્રણ કક્ષના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સવારે ૬ થી રાત્રે ૮ વાગ્યા સુઘીમાં કરજણ તાલુકામાં સર્વાઘિક ૬ ઈંચ વરસાદ નોંઘાયો હતો, પાદરા તાલુકામાં ૯૯ મી.મી.ડભોઈ તાલુકામાં ૪૬મી.મી, વડોદરામાં ૬૩ મી.મી., વાઘોડિયા તાલુકામાં ૦૬ મી.મી., તેમજ શિનોર તાલુકામાં ૪૧ મી.મી. વરસાદ થયો હતો.