વડોદરામાં કોંગ્રેસ નેતાની અનોખી સ્કીમ: '1 કિમીનો ખાડા વગરનો રોડ બતાવો અને 1 હજાર લઈ જાઓ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, ફેબ્રુઆરી 2026  |   2277

વડોદરા: શહેરમાં બિસ્માર રસ્તાઓની સમસ્યા હવે રાજકીય આંદોલનનું રૂપ ધારણ કરી રહી છે. વડોદરાના વોર્ડ નંબર 12માં કોંગ્રેસના નેતા રાકેશ ઠાકોરે શાસક પક્ષ અને તંત્રની કામગીરી સામે અનોખો વિરોધ નોંધાવતા એક ઇનામી સ્કીમ જાહેર કરી છે. પોતાની કાર પર બેનરો લગાવીને તેઓ રસ્તા શોધવા નીકળ્યા છે, જેણે આખા શહેરમાં ચર્ચા જગાવી છે.


શું છે આ '1 હજારનું ઇનામ' આપતી સ્કીમ?

કોંગ્રેસના વોર્ડ નંબર 12ના પ્રમુખ રાકેશ ઠાકોરે જાહેરાત કરી છે કે જો કોઈ વ્યક્તિ તેમના વોર્ડમાં સળંગ 1 થી 1.5 કિલોમીટર સુધીનો એવો રસ્તો બતાવે જેમાં એક પણ ખાડો, પેચવર્ક કે થીંગડું ન હોય, તો તેને સ્થળ પર જ 1,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, "મને કોર્પોરેશનના કામ પર એટલો ભરોસો છે કે મારે આ ઇનામ કોઈને આપવું જ નહીં પડે, કારણ કે આખા વિસ્તારમાં એક પણ રસ્તો સાજો નથી."


'વાહનચાલકોના કમરના મણકા હલી જાય છે'

રાકેશ ઠાકોરે રસ્તાઓની દયનીય સ્થિતિ અંગે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, ગાય સર્કલ જેવા મુખ્ય માર્ગો પર એટલા બધા ખાડા અને પેચવર્ક છે કે વાહનચાલકોને કમર અને મણકાની ગંભીર બીમારીઓ થઈ રહી છે. તેમણે ઉમેર્યું કે, "શહેરમાં નેશનલ અને ઇન્ટરનેશનલ ટીમો જે હોટલોમાં રોકાય છે, તેની બહાર પણ ખાડાઓનું સામ્રાજ્ય છે, જે વડોદરાની આબરૂના લીરેલીરા ઉડાડી રહ્યું છે."


જનતાને જાગૃત થવા અપીલ

તંત્રને રસ્તા અને ગટરની સમસ્યાઓ વહેલી તકે ઉકેલવા વિનંતી કરવાની સાથે તેમણે વોર્ડ નંબર 12 ના રહીશોને પણ જાગૃત થવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી જનતા મૂંગા મોઢે સહન કરશે ત્યાં સુધી સ્થિતિ સુધરશે નહીં. આગામી સમયમાં ચૂંટણીમાં યોગ્ય જવાબ આપવાની તૈયારી રાખવા પણ તેમણે લોકોને જણાવ્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution