લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, ફેબ્રુઆરી 2026 |
2079
વડોદરાના શિક્ષિત બેરોજગાર યુવાનો માટે રોજગારીની નવી તકોના દ્વાર ખુલ્યા છે. મદદનીશ રોજગાર નિયામક કચેરી દ્વારા આગામી 20 અને 21 ફેબ્રુઆરી 2026ના રોજ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ભવ્ય ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાની ખાસિયત એ છે કે તેમાં કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં, એટલે કે ઉમેદવારો નિઃશુલ્ક આ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.
તરસાલી ITI ખાતે ટેકનિકલ ભરતી
ભરતી પ્રક્રિયાના પ્રથમ દિવસે એટલે કે 20 ફેબ્રુઆરીએ સવારે 10:00 વાગ્યે તરસાલી આઈટીઆઈ કેમ્પસ ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે. આ મેળામાં ખાસ કરીને HSC, આઈટીઆઈના તમામ ટ્રેડ અને ડિપ્લોમા મિકેનિકલ ધરાવતા 18 થી 35 વર્ષના પુરુષ ઉમેદવારો માટે 120થી વધુ જગ્યાઓ ઉપલબ્ધ છે. ટેકનિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે આ એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ સાબિત થશે.
રેસકોર્સમાં સેલ્સ એક્ઝિક્યુટિવ માટે ઇન્ટરવ્યૂ
બીજા દિવસે એટલે કે 21 ફેબ્રુઆરીએ રેસકોર્સ સર્કલ સ્થિત જોયાલુક્કાસ ઇન્ડિયા લિમિટેડ ખાતે સવારે 10:00 વાગ્યે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. અહીં સેલ્સ એક્ઝિક્યુટિવની 20 જગ્યાઓ માટે 12 પાસ, ડિપ્લોમા કે ગ્રેજ્યુએશન ધરાવતા 18 થી 25 વર્ષના યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. આ પોસ્ટ માટે મહિલાઓની ઊંચાઈ 5.4 અને પુરુષોની ઊંચાઈ 5.8 હોવી ફરજિયાત છે.
યોજનાઓની જાણકારી અને જરૂરી દસ્તાવેજો
ભરતી મેળામાં માત્ર નોકરી જ નહીં, પરંતુ સરકારની વિવિધ યોજનાઓ જેવી કે PMVBRY, સ્વરોજગાર લોન અને વિદેશમાં સુરક્ષિત રોજગાર અંગે પણ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના 3 બાયોડેટા (Resume) સાથે નિયત સમયે અને સ્થળે હાજર રહેવું. વધુમાં, અનુબંધમ અને NCS પોર્ટલ પર નોંધણી અંગેની વિગતો પણ સ્થળ પર પૂરી પાડવામાં આવશે.