અમદાવાદ-

વડોદરા પોલીસ દ્વારા અમદાવાદના એક NGO દ્વારા સંચાલિત છેતરપિંડીના રૅકેટનો ખુલાસો કર્યો છે. આ સંસ્થા દ્વારા મધ્ય ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશની મહિલાઓ પાસેથી સહાયનો વાયદો કરી પૈસા ઉઘરાવવામાં આવતા હતા. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ત્રણ આરોપીઓ દ્વારા યુનિટી ફાઉન્ડેશન અંતર્ગત મહિલાઓ પાસેથી 1700 રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી. તેની અવેજમાં મહિલાઓને એક લાખની વ્યાજમુક્ત સહાય અપાવવાની લાલચ અપાઈ હતી. આ સહાય નાનો ઉદ્યોગ શરૂ કરવા કે બાળકોનાં ભણતરના હેતુ માટે અપાશે તેવો વાયદો કરાયો હતો. 

નોંધનીય છે કે આ સ્કીમના સંચાલકો દ્વારા અઢી લાખ મહિલાઓ પાસેથી 42.5 કરોડ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે. આ બાબત વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પ્રોટેક્શન ઑફ ઇન્ટરસ્ટ ઑફ ડિપોઝિટર્સ ઍક્ટ અંતર્ગત, તેમજ છેતરપિંડી, ગુનાહિત કાવતરાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે ફાઉન્ડેશનના સેક્રેટરી દીપકસિંહ રાજપૂત અને મૅનેજર રામજી રાઠોડની ગુના નિવારણ શાખા દ્વારા શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે સંસ્થાના અન્ય એક મૅનેજર ભરત સોની પોલીસને હાથ લાગ્યા નથી.