વડોદરા-

ગુજરાતના અન્ય શહેરોમાં પણ દિવાળી બાદ કોરોનાના કેસોમા ઉછાળો આવ્યો છે. ત્યારે વડોદરામાં પણ કોરોનાના કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. વડોદરામાં ગઈકાલે તંત્રની હાઇ લેવલ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ કલેક્ટર શાલિની અગ્રવાલે કહ્યું હતું કે, બેઠકમાં શહેરમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટેની ચર્ચા કરાઈ હતી. આગામી 15 દિવસ વડોદરા માટે ખૂબ મહત્વના છે. કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ટીમ બનાવી હવેથી કાર્યવાહી કરાશે. શહેરમાં દરેક વોર્ડવાઈઝ ટીમ ફરશે અને માસ્ક ન પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનાર સામે કાર્યવાહી કરશે. 

વડોદરામાં આજથી કોરોનાને લઈ તંત્રની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં કોરોનાના નિયમોનું પાલન કરાવવા જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ અને ફ્લાઈંગ સ્કવોડ કાર્યવાહી કરશે. વડોદરામાં 120 હોટસ્પોટ હોટસ્પોટ નક્કી કરાયા છે. જેમાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસૂલવામાં આવશે. માસ્ક વગર દુકાનમાં કામ કરનાર, વેપાર કરનારની દુકાનો સીલ કરાશે. 24 ફ્લાઇંગ સ્કવોડ તૈયાર કરાઈ છે. જે શહેરના મોટા મોલ માટે ચારેય ઝોનમાં એક ફ્લાઇંગ સ્કવોડ તૈયાર કરી છે, જે મોલમાં ભીડ હશે તે મોલને સીલ કરાશે.


જોકે આ કામગીરી દરમિયાન શહેરના માંજલપુર વિસ્તારામાં આવેલ ઈવા મોલ અને શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ સેવ ઉસળની લારીઓ અને જયાં ભીડ વધુ એકત્ર થતી હોય તે યુનિટોને સીલ કરવામાં આવ્યા હતા. જોકે આ ઉપરાંત વડોદરા શહેરના ઈનોરબીટ મોલ અને સેન્ટ્રલ  સ્કેવર મોલ પણ સાવચેરીના ભાગરૂપે બેધ કરવામાં આવ્યા છે. જે રીતે વડોદરા શહેરમાં કોરોના કેસો વધી રહ્યા છે. તે જોતા હવે તંત્ર સજાગ બન્યું છે. 


ગઈકાલે વડોદરાના ઓએસડી વિનોદ રાવે પણ એક નિવેદનમાં કહ્યું હતું કે, વડોદરામાં 120 હોટ સ્પોટ નક્કી કરાયા છે. આ તમામ હોટ સ્પોટમાં પોલીસ અને પાલિકાની સંયુક્ત ટીમ કાર્યવાહી કરશે. માસ્ક વગરના લોકો પાસેથી દંડ વસૂલાશે. તો સાથે જ શહેરના ગાર્ડન અને પબ્લિક સ્પોટ પર રાહત દરે માસ્કનું વેચાણ કરાશે.