મધ્યમવર્ગના લોકોની થાળીમાંથી શાકભાજી અર્દશ્ય થાય તેવી સ્થિતિ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, નવેમ્બર 2025  |   વડોદરા, ગુજરાત   |   17424

રાજ્ય અને દેશના વિવિધ ભાગોમાં થયેલા કમોસમી વરસાદ (Unseasonal Rain) ને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને મોટું નુકસાન થયું છે, જેના પરિણામે શાકભાજીની આવક અને ભાવ પર ગંભીર અસર પડી છે. વડોદરા શહેરને મોટે ભાગે વડોદરા, છોટાઉદેપુર, અમદાવાદ, સુરત જિલ્લાઓ અને મહારાષ્ટ્રથી શાકભાજી મળે છે. જોકે, સમગ્ર રાજ્ય અને દેશમાં પાક નિષ્ફળ જવાથી શાકભાજીના ભાવમાં જોરદાર વધારો નોંધાયો છે. આ સ્થિતિના લીધે મધ્યમવર્ગના લોકોની થાળીમાંથી શાકભાજી અદ્રશ્ય થઈ રહ્યા છે.

રાજ્ય સહિત સમગ્ર દેશના કેટલાય ભાગમાં કમોસમી વરસાદને લીધે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ખેતરોમાં પાણી ભરાવાના કારણે પાક નિષ્ફળ ગયો હતો. કેટલાક સ્થળોએ ખેતર માલિકોએ શ્રમજીવીઓને મ્હોંમાગ્યા પૈસા આપવા છતાં પાક બચાવી લેવા માટે તેઓ આવવા તૈયાર ન હતા. આથી પાક બચાવી લેવામાં ખેડૂતોને નિષ્ફળતા મળી હતી. આ સ્થિતિના લીધે શિયાળાની ઋતુમાં પણ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. હાલમાં એવી સ્થિતિ સર્જાય છે કે, શાકભાજીના ભાવ ફળોના ભાવની લગોલગ પહોંચી ગયા છે.

વડોદરા શહેરના શાકભાજીના બજારમાં વડોદરા જિલ્લાના પાદરા, કરજણ, ડભોઈ, સાવલી, શિનોરથી અને છોટાઉદેપુર જિલ્લામાંથી સંખેડા, બોડેલી, છોટાઉદેપુર તેમજ અમદાવાદ અને સુરત જિલ્લા ઉપરાંત મહારાષ્ટ્રમાં નાસિકથી શાકભાજી આવે છે. આ સ્થળોથી હાલ ૫૦ થી ૬૦ ટકા જેટલા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે, જેના પરિણામે શાકભાજીના ભાવમાં ૫૦ ટકાથી વધુનો વધારો નોંધાયો છે. જેના લીધે શાકભાજીના ભાવ ફળોને લગોલગ પહોંચી ગયા છે. આથી, શાકભાજી ખાઓ કે ફળો ખાઓ, બંનેના ભાવ લગભગ સરખા થઈ જતા હાલમાં 'ટકે શેર ભાજી, ટકે શેર ખાજા' જેવી સ્થિતિ સર્જાઈ છે.

હવે લગ્નસરા શરૂ થશે, જેના કારણે મોટા ભોજન સમારંભો યોજાશે અને શાકભાજીની માંગમાં વધારો થશે. જોકે હાલ શાકભાજીની આવક ઘટી છે, જેના લીધે ભાવ વધુ વધી શકે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. શિનોરના ખેડૂત શીતલ પટેલે જણાવ્યું હતું કે ૧૦ દિવસ બાદ શાકભાજીનો સપ્લાય વધી શકે છે. પરિસ્થિતિ સુધરતા અને સિંચાઈની સુવિધા ધરાવતા ખેડૂતોનો પાક સારો ઉતરે તો શાકભાજીના ભાવ કાબુમાં આવી શકે છે.

શાકભાજી હાલના ભાવ (રૂ. કિલોમાં) અગાઉના ભાવ (રૂ. કિલોમાં)

રીંગણ ૧૦૦ ૩૦ થી ૬૦

લીલી તુવેર ૧૦૦ ૪૦ થી ૫૦

ભીંડા ૧૦૦ ૩૦ થી ૫૦

વટાણા ૧૦૦ ૪૫ થી ૫૦

ટીંડોળા ૮૦ ૪૦ થી ૫૦

કારેલા ૮૦ ૪૦ થી ૬૦

ફળો હાલના ભાવ (રૂ. કિલોમાં) અગાઉના ભાવ (રૂ. કિલોમાં)

સફરજન ૭૦ ૫૦ થી ૬૦

ચીકુ ૯૦ ૮૦ થી ૧૪૦

જામફળ ૯૦ ૬૦ થી ૮૦

સીતાફળ ૯૦ ૭૦ થી ૮૦

પપૈયા ૬૦ ૫૦ થી ૬૦

મોસંબી ૬૦ ૪૦ થી ૫૦

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution