વડોદરા, તા.૧૯

શહેરમાં બપોર સુધી છૂટોછવાયો વરસાદ થયા બાદ સમીસાંજે ઓફિસ છૂટવાના સમયે કાળાંડિબાંગ વાદળાં ઘેરાયાં હતાં અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો. માત્ર બે ઈંચ વરસાદમાં જ ફરી એકવખત વડોદરા શહેરના વિવિધ વિસ્તારો ડૂબી ગયા હતા. એકધારો ધોધમાર વરસાદ ખાબકતાં શહેરના અલકાપુરી ગરનાળા સહિત મોટાભાગના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાતાં અનેક મુખ્ય જંકશનો અને માર્ગો પર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. સાંજના ત્રણ કલાકમાં થયેલા બે ઈંચ જેટલા વરસાદમાં પાલિકાતંત્રની પોલ ખૂલી ગઈ હતી.

હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદરામાં સવારથી બપોર સુધી છૂટોછવાયો હળવો વરસાદ થયા બાદ બપોરે તો તડકો નીકળતાં ઉકળાટથી લોકો ત્રાહિમામ્‌ પોકારી ઊઠયા હતા. ત્યાં સાંજ થતાં જ કાળાંડિબાંગ વાદળાં ઘેરાવાની સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં ઓફિસેથી છૂટીને ઘર તરફ જઈ રહેલા લોકો અટવાઈ ગયા હતા. જાે કે, એકધારો સતત વરસાદ વરસતાં રાવપુરા, માંડવી, ચાર દરવાજા, દાંડિયા બજાર, જેલ રોડ, કાશીવિશ્વનાથ મંદિર રોડ, અલકાપુરી રોડ, ગેંડા સર્કલ, અલકાપુરી ગરનાળું સહિત અનેક વિસ્તારો, મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતાં ઠેરઠેર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં.સાંજે લગભગ પ.૩૦ વાગે શરૂ થયેલો વરસાદ ૭.૩૦ સુધી એટલે કે બેથી અઢી કલાક એકધારો વરસેલા બે ઈંચ જેટલા વરસાદમાં શહેર જળબંબાકાર થતાં પાલિકાતંત્રની પોલ ખૂલી ગઈ હતી. જ્યારે મુખ્ય માર્ગો લહેરીપુરા રોડ પર આવેલી કેટલીક દુકાનોમાં તેમજ મુખ્ય માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાતાં આ રોડ પર પાણીના ભરાવાથી વાહનોની અવરજવર લગભગ બંધ થઈ ગઈ હતી. જાે કે, સમીસાંજે થયેલા વરસાદને પગલે ઠંડક થતાં લોકોએ રાહત અનુભવી હતી.

યાકુતપુરામાં ગેલેરીનો ભાગ ઘરાશાયી

સમી સાંજે વરસાદમાં યાકુતપુરા મદાર મહોલ્લામાં આવેલા એક વર્ષો જૂના મકાનના પ્રથમ માળની ગેલેરીનો ભાગ ઘરાશાયી થતા દોડઘામ મચી હતી. સદ્‌નસીબે આ ઘટનામાં કોઈને ઈજા થવા પામી ન હતી, પરંતુ નીચે રોડ પર પાર્ક કરેલા એક ટુ વ્હીલરને નુકસાન થયું હતંુ.બનાવની જાણ થતા ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા.

આજવાની સપાટી ર૦૯.૭પ ફૂટ થઈ ઃ વિશ્વામિત્રી બે કાંઠે

શહેરની પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવર અને તેના સ્ત્રાવ વિસ્તાર હાલોલ, પ્રતાપપુરા, ઘનોરા, ઘનસર વાવ, પિલોલમાં છેલ્લા બે દિવસથી નોંધપાત્ર વરસાદ થતાં આજવામાં નવા નીરના આગમન સાથે રાત્રે ૯ વાગે સપાટી વધીને ર૦૯.૭પ ફૂટ થઈ હતી. જ્યારે સમીસાંજે થયેલા ધોધમાર વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ સતત વધારો થતાં બે કાંઠે વહેતી થયેલી વિશ્વામિત્રી નદીની સપાટી રાત્રે વધીને ૧ર ફૂટ થઈ હતી.