લાલબાગ ટાંકી હેઠળના વિસ્તારોમાં શુક્ર-શનિ પાણી કાપની જાહેરાત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, ફેબ્રુઆરી 2026  |   વડોદરા   |   2079

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની નવી પાઇપલાઇનો નાખવાની અને મુખ્ય ટાંકીઓ સાથે નવા જોડાણ કરવાની કામગીરી વેગીલી બનાવવામાં આવી છે. આ વિકાસલક્ષી કામગીરીના ભાગરૂપે, આગામી શુક્રવારના રોજ માંજલપુર વિસ્તારમાં રિપેરિંગ અને જોડાણનું મહત્વનું કામ હાથ ધરવામાં આવશે. આ ટેકનિકલ કામગીરીને કારણે લાલબાગ ટાંકી પર નિર્ભર અંદાજે 50,000 થી વધુ નાગરિકોને મર્યાદિત સમય માટે અને ઓછા દબાણથી પાણી મળવાની શક્યતા છે, જેનાથી સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.


પાલિકાના પાણી પુરવઠા શાખાના જણાવ્યા અનુસાર, માંજલપુર સરસ્વતી ચાર રસ્તા પાસે 500 મી.મી.ની એચ.એસ. ફીડર નલિકાના જોડાણની કામગીરી 20 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ કરવામાં આવશે. આ કામગીરીને કારણે લાલબાગ ટાંકી હેઠળ આવતા નવાપુરા, બગીખાના, માંજલપુરનો કેટલોક ભાગ, પોલો ગ્રાઉન્ડ અને પ્રતાપનગર જેવા વિસ્તારોમાં પાણી વિતરણ પર અસર પડશે. ખાસ કરીને 20 ફેબ્રુઆરી (શુક્રવાર) સાંજે અને 21 ફેબ્રુઆરી (શનિવાર) સવારે પાણીનું વિતરણ નિયત સમય કરતા મોડું થશે અને પાણીનો ફોર્સ પણ ઓછો રહેશે.


ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે પાણીના આ કાપને કારણે નાગરિકોને હાલાકી ન પડે તે માટે પાલિકા દ્વારા અગાઉથી જરૂરી પાણીનો સંગ્રહ કરી લેવા અપીલ કરવામાં આવી છે. વડોદરાના અનેક વિસ્તારોમાં પહેલેથી જ ઓછું અને ગંદુ પાણી આવવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે આ મેન્ટેનન્સ કામગીરીને પગલે સર્જાનારી સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution