વડોદરાની નિશાકુમારીએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું ઃ હવે માઉન્ટ લહોત્સે ૫ર આરોહણની તૈયારી
18, મે 2023

વડોદરા, તા.૧૭

વડોદરાની યુવતી નિશાકુમારીએ વિશ્વના સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચીને પ્રબળ પરિશ્રમથી પોતાનો અઘરો સંકલ્પ પૂરો કર્યો છે. ખૂબ વિકટ આર્થિક પડકારો સામે ઝઝુમીને અને થાક્યા વગર પરિશ્રમ કરીને તે આ સિદ્ધિને પામી છે.સૈનિક પરિવારનું સંતાન એવી નિશા એવરેસ્ટના શિખરે પહોંચનારી વડોદરાની પ્રથમ યુવા સાહસિક છે અને આ સિદ્ધિ મેળવનારી ગુજરાતની આંગળીના વેઢે ગણાય એટલી યુવતીઓની યાદીમાં એણે પોતાનું નામ ઉમેર્યું છે.

નેપાળની વ્યવસાયિક પર્વતારોહણ સંસ્થા ૮ કે એક્સપેડીશન્સની ૨૦૨૩ વસંત આરોહણની પ્રથમ ટુકડીમાં એવરેસ્ટ ચઢાણ માટે નિશાની પસંદગી થઈ હતી.તે છેલ્લા ૩ વર્ષથી સઘન તાલીમ, સાયકલિંગ,રનીંગ દ્વારા આ અભિયાનની તૈયારી કરી રહી હતી.હિમાલયના બરફથી છવાયેલા વિસ્તારોમાં તેણે આકરી મહેનત કરી હતી. સંસ્થાએ પ્રસારિત કરેલા સંદેશામાં જણાવ્યુ છે કે, આ અભિયાન દળના ૮ સદસ્યોએ તા.૧૭ મી મે ની સવારે એવરેસ્ટ પર્વત શિખર પર ( ઉંચાઈ ૮૮૪૮.૮૬ મીટર) સફળ આરોહણ કર્યું છે.

આ દળમાં નિશા ઉપરાંત વધુ એક ભારતીય પર્વતારોહી સંતોષ દેગાડે નો સમાવેશ થાય છે.ચીન,અમેરિકા, મોંગોલિયા, ફ્રાન્સ વગેરેદેશોના સાહસિકો નો દળમાં સમાવેશ થાય છે. ૮ કે એકસપેડીશન્સ ના ૧૦ જેટલા કુશળ શેરપાઓના માર્ગદર્શન હેઠળ આ સાહસને સફળતા મળી છે. નિશાના માર્ગદર્શક અને પ્રોત્સાહક નિલેશ બારોટે જણાવ્યું કે આ અભિયાનમાં એવરેસ્ટની સાથે તેના જાેડીયા પર્વત જેવા માઉન્ટ લહોત્સેને સર કરવાનું આયોજન છે.

એટલે નિશા એ એવરેસ્ટની ટોચ પરથી અવરોહણ કરીને કે ૪ કેમ્પથી ઉપરોક્ત બીજા પર્વતનું આરોહણ શરૂ કર્યું છે અને તેમાં સફળતા પછી તેનું આ અભિયાન પૂરું થશે.હિમાલયનો આ એવો પર્વત છે જેનું અત્યાર સુધી બહુધા આરોહણ થયું નથી.નિશા એ પર્વતરાજ હિમાલય ની ઊંચાઈ જેટલી જ ઊંચી આ સિદ્ધિ મેળવીને વડોદરાની સાથે ગુજરાતનું પણ ગૌરવ વધાર્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution