લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, ફેબ્રુઆરી 2026 |
2178
અમદાવાદ, અમદાવાદથી ઉદયપુર જવા માટે હવે મુસાફરોને સરળતા રહેશે. કારણ કે અમદાવાદથી લેક સિટી ઉદયપુર માટે વંદેભારત ટ્રેનનું સંચાલન થશે. આ ટ્રેન અમદાવાદના અસારવા સ્ટેશનથી ઉદયપુર જશે. વંદેભારત ટ્રેન સેવા શરૂ થવાથી હવે ઉદયપુર ફટાફટ પહોંચી શકાશે. રેલવેએ આ ટ્રેન સંચાલનને મંજૂરી આપી છે. રેલ મંત્રાલયે રાજસ્થાનના દક્ષિણી ભાગથી ગુજરાતને ઝડપી કનેક્ટિવિટી આપવાના ઉદ્દેશ્યથી આ ટ્રેન સેવાને મંજૂરી આપી છે. જલ્દી બંને શહેરો વચ્ચે આ ટ્રેન સેવા શરૂ થઈ જશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રિનોવેશન ચાલી રહ્યું છે. આ રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. અમદાવાદથી ઉદયપુર વચ્ચે ચાલનાર વંદે ભારતના સંચાલનની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. સૂત્રોનું કહેવું છે કે જલ્દી તારીખ જાહેર થઈ શકે છે. બીજીતરફ આ ટ્રેનને સુરત સુધી લંગાવવાની માગ પણ કરવામાં આવી છે. જાણકારી અનુસાર નવી મંજૂર કરવામાં આવેલી ટ્રેન જાેડી ૨૬૯૬૩/૨૬૯૬૪ ઉદયપુર-અસારવા (અમદાવાદ) વંદેભારત એક્સપ્રેસ મંગળવારને છોડી સપ્તાહમાં છ દિવસ ચાલશે. પ્રાઇમરી મેન્ટેનન્સ ઉદયપુરમાં કરવામાં આવશે, જેમાં એક વંદે ભારત રેક લગાવવામાં આવશે. આ ટ્રેન જાવર, ડૂંગરપુર અને હિંમતનગરમાં ઉભી રહેશે. આ ટ્રેનના સંચાલનથી ઉદયપુર-અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા લોકોને સુવિધા મળશે. મહત્વનું છે કે ઉદયપુર ફરવાનું સ્થળ છે અને મોટી સંખ્યામાં ગુજરાતીઓ ત્યાં ફરવા જતાં હોય છે.