વડોદરા, તા.૨૩

વડોદરા - જે પાણીની ગંદકી જાેઈને ઉબકાં આવે, જે ગંદા પાણીને ઢોર પણ ના પીવે, માથું ફાડી નાંખે તેવી દુર્ગંધના કારણે જેની નજીક બે મિનિટ ઉભા ના રહી શકાય એવા અનહાઈજેનિક ખાબોચિયાંના ગંધાતા પાણીમાં ધોવાયેલા શાકભાજી આખુંય વડોદરા રોજ ખાતુ હોય અને તબિયત બગાડતું હોય ત્યારે એવું લાગે કે, કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ કોઈ કામનું નથી. વડોદરાના સીમાડે આવેલી જીએસએફસીથી દુમાડ ચોકડી તરફ જવાના માર્ગ ઉપર કેટલાક મોટામોટાં ખાબોચિયાં વરસાદી પાણીથી ભરેલા છે. એમાં ભેંસો ન્હાય છે અને અંદર મળમૂત્ર કરે છે. લાંબા સમયથી પાણી એક જ જગ્યાએ સ્થિર હોવાને કારણે એમાં જીવાતો પડી ગઈ છે. જાે, આવુ પાણી કોઈને પીવડાવી દેવામાં આવે તો એને દવાખાનામાં દાખલ કરવો પડે એવો ઘાટ છે. આવા ગંધાતા પાણીમાં રોજ સવારે ઘણા ટેમ્પાવાળા શાકભાજી ધોવા આવે છે. કદાચ ગંદકીથી ખદબદતા ખાબોચિયાંમાં ધોવાયેલા ધાણા, મૂળા અને બીજા શાકભાજીનો દેખાવે તાજા લાગતા હશે. એટલે શાકભાજીના છૂટક વેપારીઓ એનો લાભ લેતા હશે. પણ એટલી વાત નક્કી છે કે, આવા ગંદા પાણીમાં શાકભાજીને ધોવાની આખી પ્રક્રિયા તમે નજરે નિહાળશો તો અમારો દાવો છે કે, તમે ખાવાના તો દૂર ઘરમાં પણ નહીં લઈ જાવ. અમે તપાસ કરી તો માલુમ પડ્યું કે, આવા ઘણા ટેમ્પા રોજ સવારે હાઈવેના કિનારે બનેલા વરસાદી ખાબોચિયાંની નજીકમાં પાર્ક થાય છે અને એના ગંદા પાણીમાં શાકભાજી ધોઈને એને સયાજી માર્કેટમાં વેચવા લઈ જાય છે. કહેવાય છે કે, શાકભાજીનો આવો જથ્થો સાવલી અને વડોદરા તાલુકાના કેટલાક ગામોમાંથી લવાય છે અને એને સયાજી માર્કેટમાં હોલસેલના વેપારીઓને વેચી દેવાય છે. જે પાછળથી ફરતાં-ફરતાં વડોદરા શહેરના જુદાજુદા નાના-મોટા માર્કેટમાં વેચાય છે. ખરેખર શહેરીજનોના સારા સ્વાસ્થય માટે કંઈ કરવાની ઈચ્છા હોય તો કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આવા ગંદા ખાબોચિયાં પાસે વોચ ગોઠવીને એમાં શાકભાજી ધોનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવી જાેઈએ.