વડોદરા, તા.૨૬

વેક્સિન ગ્રાઉન્ડ રેપકાંડનો ભોગ બનેલી પીડિતાનો અંતિમ વીડિયો બહાર આવ્યો છે. ટ્રેનમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં આ વીડિયોએ અનેક સવાલો ઊભા કર્યા છે. વીડિયોમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે પીડિતાના મૃતદેહના પગ જમીન ઉપર અડેલા છે અને જે ઓઢણીથી ગળાફાંસો ખાધો હોવાનું દેખાય છે એ ફંદો માત્ર ગળા પર છે, જ્યારે ગરદન આખી ખૂલ્લી છે. ફાંસાનો ફંદો ગળા અને ગરદન બંને પર ઘટ્ટ ભીંસાય તો જ વ્યક્તિનું મોત થઈ શકે એ જાેતાં આ મામલો આત્મહત્યાનો છે કે હત્યાનો એવી શંકા ઊભી થઈ છે.

વલસાડ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં પીડિતાનો વીડિયો આજે બહાર આવ્યો છે જેમાં પોલીસ પંચક્યાસ કરી રહેલી દેખાય છે. વીડિયોને ધ્યાનથી જાેતાં આ મામલો આત્મહત્યાને બદલે હત્યાનો હોવાનું લાગી રહ્યું હોય એવા તર્કવિતર્ક ખુદ પોલીસ માટે ઊભા થયા છે. પીડિતાના કહેવાતા આપઘાત બાદનો વીડિયો અનેક સવાલ ઊભા કરે છે. જાે કે, પોલીસ અગાઉથી જ આ મામલો હત્યાનો હોઈ શકે છે એવું માની એ દિશામાં પણ તપાસ કરી છે. ત્યારે એનું મોત નીપજાવાથી કોને લાભ થશે અને કયા કારણોસર એની હત્યા થઈ હોઈ શકે એવા કારણોની શોધખોળ પણ પોલીસ કરી રહી છે. શું એ મીડિયા સમક્ષ જઈને કોઈ વ્યક્તિના, કે વ્યક્તિ સમૂહના ગુનાહિત ભંડા ફોડી નાખશે એવી કોઈ બીક ધરાવનારાઓએ એનું મોઢું કાયમ માટે બંધ નથી કરાવ્યું ને? એ દિશામાં પોલીસ વધુ ગંભીરતાથી તપાસ કરી રહી છે. જે વીડિયો બહાર આવ્યો છે એમાં જાેઈ શકાય છે કે પીડિતાના પગ કોચના ફલોરને અડેલા છે અને યુવતીની બાજુમાં સીટ છે તેને પણ તેનો દેહ અડેલો છે. મહત્ત્વની વાત તો એ છે કે જે ઓઢણી લટકાવી એને ફાંસો ખાધો હોવાનું કહેવાય છે. એ ફંદાને ગાંઠ પણ મારેલી નહીં હોવાનું વીડિયોમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે જેને લઈને અનેક શંકાઓ ઊભી થઈ છે.

વલસાડ રેલવે સ્ટેશન પર ૪ નવેમ્બરના રોજ ગુજરાત ક્વિન એક્સપ્રેસ ટ્રેનની સફાઈ કરતા કામદારને ખાલી કોચમાંથી યુવતીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. તાત્કાલિક વલસાડ રેલવે સ્ટેશન માસ્તર અને રેલવે પોલીસની ટીમને ઘટના અંગે જાણ કરી હતી. પોલીસે તરત જ પહોંચી તપાસ કરતાં પીડિતા પાસેથી ટિકિટ કે પાસ મળી આવ્યા ન હતા. જાે કે, યુવતી પાસેથી મળેલા ફોનના આધારે નવસારી રહેતા પરિવારનો સંપર્ક કરાયો હતો. રેલવે પોલીસે યુવતીના મોત અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી નવસારી જઈ તપાસ કરતાં એના રૂમમાંથી મળેલી ડાયરીમાં સામૂહિક દુષ્કર્મ ગુજારાયો હોવાનું બહાર આવતાં પોલીસ ચોંકી ઊઠી હતી અને તપાસ માટે વડોદરા આવી વેક્સિન મેદાન અને જે સંસ્થામાં કામ કરતી હતી એ ઓએસીસમાં તપાસ હાથ ધરી હતી. બાદમાં શહેર ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જાેડાઈ હતી અને દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો.

બીસીએનો કર્મચારી બાયોબબલ છોડી પોલીસને સીસીટીવી ફુટેજ આપવા દોડયો

વડોદરા. ગેંગરેપની ઘટનાની તપાસમાં વેક્સિન મેદાન અને ઓએસીસની ઓફિસની આસપાસના માર્ગો-રહેઠાણો, દુકાનો, શો-રૂમ, ઓફિસોના સીસીટીવી ફુટેજ પોલીસ મેળવી રહી છે. ત્યારે બરોડા ક્રિકેટ એસોસિયેશનની ઓફિસ પણ નજીકમાં જ આવેલી હોવાથી પોલીસે બીસીએ પાસેથી સીસીટીવી ફુટેજની માગણી કરતાં જવાબદાર ઈસમ દિનેશ ગંગવાણી કુચબિહાર ટ્રોફીને લઈ બાયોબબલ હેઠળ વેલકમ હોટલમાં હોવા છતાં બબલ છોડી બીસીએની કચેરીએ દોડી આવ્યો હતો.

ઓએસીસના સંચાલકોએ બચાવ માટે વાલીઓ-વિદ્યાર્થીઓને ઢાલ બનાવ્યાં?

વડોદરા, તા. ૨૬

ઓેએસીસ સંસ્થાના સંચાલકોએ ૧૮ વર્ષની યુવતી પર વેકસીન ઈન્સ્ટીટ્યુટના મેદાનમાં થયેલા પાશવી બળાત્કારની વાત ઈરાદાપુર્વક છુપાવી રાખવાનું પાપ આચર્યું છે અને તેના કારણે બળાત્કાર પિડીતાને આપઘાત કરવાની ફરજ પડી છે. જાેકે યુવતીએ આપઘાત કર્યો કે તેની હત્યા કરાઈ છે તે મામલે પણ વિવાદ છે પરંતું આવું હિનકૃત્ય કર્યા બાદ પણ ઓએસીસ સંસ્થાના સંચાલકોએ ભુલ સ્વીકારવાના બદલે છેલ્લા ૨૨ દિવસથી સતત ચુપકિદી સેવી છે. દરમિયાન ઓએસીસ સંસ્થાની ભેદી પ્રવૃત્તીઓની તપાસ માટે શહેર પોલીસ કમિ.એ એસીપી ચૈાહાણને આદેશ કરતા જ સંસ્થાના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

અત્યાર સુધી માધ્યમોથી સતત અંતર રાખતા ઓએસીસ સંસ્થાના સંચાલકોએ હવે બચાવ માટે પોતાની સંસ્થામાં ફેલોશીપ કરતી માસુમ વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓને ઢાલ બનાવીને પોલીસ સમક્ષ સંસ્થાની તરફેણ માટે આગળ ધર્યા છે. ગઈ કાલે સુરત અને નવસારીથી આવેલા કેટલાક વાલીઓએ તેઓના સંતાનો સાથે શહેર પોલીસ કમિ.કચેરી ખાતે આવેદનપત્ર આપવા ગયા હતા. જાેકે પોલીસ કમિ. નહી મળતા આજે આ ટોળું રેલવે પોલીસના એસપી પરિક્ષીતા રાઠોડને મળ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપ્યા બાદ કેટલાક વાલીઓએ માધ્યમો સાથે વાતચિત કરી હતી જેમાં તેઓએ ઓએસીસ સંસ્થામાં તેઓના સંતાનો ફેલોશીપ કરે છે અને તેઓને કોઈ સમસ્યા નથી તેમ જણાવી સંસ્થાને આ વિવાદમાં નહી લાવવા માટે જણાવ્યું હતું.

તેઓની સાથે હાજર કેટલીક ચબરાક વિદ્યાર્થીનીઓએ પણ તેઓની સહકર્મી વિદ્યાર્થિની પર બળાત્કારના મુદ્દે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો પરંતું તેઓની સંસ્થાને ટાર્ગેટ નહી બનાવવા માટે માધ્યમોમાં વિનંતી કરી હતી.

બ્રેઈનવોશ્ડ યુવતી કહે છે વાલીઓ તેઓની મરજી સંતાનો પર થોપી ના શકે

રેલવે પોલીસના એસપી કચેરી ખાતે ઓએસીસ સંસ્થામાં ફ્ેલોશીપ કરતી યુવતીઓ પણ આવી હતી. આ યુવતીઓનું સંસ્થામાં કેટલી હદે બ્રેઈનવોશ કરાયુ છે તેનો જીવંત દાખલો માધ્યમોને મળ્યો હતો. યુવતીઓએ તેઓ આ સંસ્થામાં સ્વેચ્છાથી આવી છે તેમ કહેતા એવી પણ વણમાંગી સુફિયાણી સલાહ આપી હતી કે પુત્રીઓ હમેંશા પિતાને વ્હાલી હોય છે પરંતું ૧૮ વર્ષની થયા બાદ હવે તેઓ પોતાનો નિર્ણય લેવા આઝાદ છે અને વાલીઓએ પણ તેઓની મરજી તેઓના પુખ્તવયના સંતાનો પર થોપવી ના જાેઈએ.

પોલીસ વિદ્યાર્થીઓને કનડગત ના કરે તેવી વાલીઓની રજૂઆત

રેલવે એસપી કચેરી ખાતે નવસારીના બે વાલીઓ સંજય ગાયકવાડ અને મહેન્દ્ર કોરાટે માધ્યમોને જણાવ્યું હતું કે તેઓના સંતાનો ઓએસીસમાં ફેલોશીપ કરી રહ્યા છે અને તેઓને કોઈ તકલીફ નથી. તેેઓએ બળાત્કાર પિડીતા અને તેના પરિવારજનો પ્રત્યે સહાનુભુતિ દાખવવાના બદલે પિડીતાની માતા તેમજ અન્ય વાલીઓએ સંસ્થા સામે ઉઠાવેલા વાંધા ખોટા છે તેમ કહી સંસ્થાને બચાવવાનો ભરપુર પ્રયાસ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે પોલીસ નિતિમત્તા રાખી તપાસ કરે અને સંસ્થામાં વાલીઓ વિના રહેતા વિદ્યાર્થીઓને ખોટી રીતે હેરાનગતિ ના થાય તે રીતે કામગીરી કરે.

ઓએસીસમાં રહીને મળતી આઝાદી કાલની ગુલામી છે

માતા-પિતા અને પરિવારથી અલગ રહીને મનફાવતી પ્રવૃત્તી કરતા વિદ્યાર્થીઓ અને ઓએસીસ સંસ્થા સામે જાણીતા યુટ્‌યુબર શુભમ મિશ્રાએ આજે વેકસીન મેદાન પર બળાત્કારના ઘટનાસ્થળે મિડિયા સમક્ષ બળાપો ઠાલવ્યો હતો કે જે વિદ્યાર્થીઓને હાલમાં પરિવારથી અલગ રહે છે તેને આઝાદી માને છે ખરેખરમાં તે જ આવતીકાલની ગુલામી હશે. ઓએસીસ સંસ્થાએ ખરેખરમાં પિડીતાને બળાત્કારની ઘટનાબાદ તુરંત મદદ કરવાની જરૂર હતી પરંતું તેઓએ મદદ નહી કરતા યુવતીએ આપઘાત કર્યો છે. સંસ્થાની આવી કાર્યનિતી અને યુવતી સાથે ફેલોશીપ કરતી અને સંસ્થાની વાહવાહ કરી રહેલી સહવિદ્યાર્થિનીઓને પણ તેમણે સવાલ કર્યો હતો કે તમે મદદ કરવાના બદલે કેમ ચુપ રહ્યા ? અને હવે સંસ્થાને બચાવવા માટે કેમ આગળ આવો છો ?

રાજકીય અગ્રણીઓ કેમ ચૂપ છે?

સંસ્કારી નગરી વડોદરામાં બહારની યુવતી પર આ રીતે થયેલા બળાત્કારના ઘટનાથી ભારે વ્યથિત યુુટ્યુબર શુભમ મિશ્રાએ આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વડોદરામાં રાજયકક્ષાના મંત્રીઓ અને રાજકિય અગ્રણીઓ હાજર છે છતાં તેઓએ આવી ગંભીર ઘટના થવા છતાં ઓએસીસ સંસ્થા સામે કેમ ચુપકિદી સેવી છે ?. તેમણે એવો પણ ભય વ્યક્ત કર્યો હતો કે વડોદરાની છબિ ‘રેપ સિટી’ તરીકે ખરડાશે તો કોઈ પણ બહારની યુવતી-મહિલા વડોદરામાં રહેવા માટે ગભરાશે. સંસ્કારીનગરીની છબિ આ રીતે ના ખરડાય અને કોઈ પણ મહિલા વડોદરામાં તે સલામત હશે તેવી ખાત્રી સાથે આવે તે માટે રાજકિય અગ્રણીઓએ પણ આગળ આવવું પડશે.

શું સ્ફોટક ડાયરી મેળવવા માટે જ કોઈ વ્યકિત પીડિતાનો પીછો કરતી હતી?

ગેંગરે૫ની પીડિતાની અંગત ડાયરીના પાનાં કોણે ફાડ્યા એ વિષયે હજુ કોઈ ભેદ નથી ખૂલી રહ્યો, ત્યારે પીડિતા જે સંસ્થા સાથે સંકળાયેલી એના અગ્રણીઓએ વાજબી દલીલ કરતાં કહ્યું કે જાે અમારામાંથી કોઈએ એ પાનાં ફાડ્યાં હોય તો આખી ડાયરી જ ના ફાડી નાખત? આ સંજાેગોમાં હવે એવો પ્રશ્ન પણ ઊભો થયો કે ડાયરીના બે પાનાંનો નાશ થયા બાદ એ ડાયરીમાં બીજું પણ ઘણું બધું ગંભીર અને જેલ સુધી લઈ જાય એવા લખાણો હશે તો? એવા વિચારે બે પાનાં ફાડનાર અથવા યુવતી પાસે બળજબરીથી ફડાવનારને પાછળથી એ સંપૂર્ણ ડાયરીનો નાશ કરવાની જરૂરિયાત ઊભી થઈ હોઈ શકે અને એટલે જ એ ડાયરી મેળવવાના ઈરાદે કોઈએ પીડિતાનો પીછો કર્યો હોય જે અંગે ખુદ પીડિતાએ પોતાના આખરી સંદેશામાં પણ જણાવ્યું છે. પીછો કરનારે જ્યારે એને ખાલી ટ્રેનના કોચમાં ઝડપી હોય ત્યારે એની પાસેથી ડાયરી નહીં મળી આવતાં સંભવિત ગંભીર આક્ષેપોથી ડરેલી વ્યક્તિએ કે તેના ઈશારે અન્યએ યુવતીને ગળાફાંસો આપી અથવા પહેલાં મોતને ઘાટ ઉતારી પાછળથી ગળાફાંસો હોવાનું ગેરમાર્ગે દોરવા ઓઢણી ગળામાં નાખી એને લટકાવી દીધી હોય એવી પણ એક શક્યતા પોલીસ ચકાસી રહી છે. જે કોઈ વ્યક્તિ આવું કરવામાં સંડોવાયેલી હોય એ સ્વાભાવિક રીતે જ એવો મુદ્દો ઉઠાવી સંતોષ લઈ રહી હશે કે સીસીટીવી ફુટેજમાં કોઈ વ્યક્તિ એનો પીછો કરતી કે ખાલી ટ્રેનમાં એની પાછળ જતી દેખાઈ નથી. પોલીસ તપાસની માહિતીના આધારે આ મુદ્‌ાને હાશકારા સાથે ઉઠાવાઈ રહ્યાનું પણ પોલીસને લાગી રહ્યું છે.

પીડિતાની એ ડાયરી એના સામાનમાં ન હતી અને પાછળથી એના નવસારીના ઘરેથી મળી એ તો પોલીસના દસ્તાવેજી રેકોર્ડ પર છે. જાે એ ડાયરી યુવતીનો પીછો કરનાર વ્યક્તિને મળી ગઈ હોત તો કદાચ પીડિતા પર ગેંગરેપ થયાની બાબત પણ ક્યારેય બહાર જ નહીં આવત અને ગેંગરેપની જાણ હોવા છતાં જવાબદાર નાગરિકો તરીકે પોલીસને જાણ નહીં કર્યાના ગુનાની પણ હાલ ચાલતી ચર્ચા શરૂ જ ન થઈ હોત.