વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની આગામી ૨૧ ફેબ્રુઆરીના રોજ ચૂંટણીઓ યોજાનાર છે. એમાં આજે પ્રચારના અંતિમ દિવસે પાલિકાના ઈલેક્શન વોર્ડ-૧૬માં ડભોઈ રોડ સોમા તળાવ પાસે સામસામે આવી ગયેલ કોંગ્રેસ અને ભાજપની રેલીઓમાંથી સામસામે સૂત્રોચ્ચાર કરાતા મામલો બિચક્યો હતો.જેને લઈને ખેલાયેલા લોહિયાળ જંગમાં ભાજપના કાર્યકરોના ડાંગ , લાકડીઓ,ઝંડાઓથી કરાયેલ હુમલામાં કોંગ્રેસના સંખ્યાબંધ કાર્યકારોનેર ઈજાઓ પહોંચી હતી.

આને કારણે આ રેલી કોંગ્રેસને અધવચ્ચેથી પડતી મુકવી પડી હતી. આ રેલીમાં ભાજપના કાર્યકરો દ્વારા કોંગ્રેસના બાહુબલી નેતા મનાતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવના પુત્રને ઘેરીને ઢોર માર મરાયો હતો. જેનો વિડિઓ પણ વાયરલ થતા રાજકીય ક્ષેત્રે હલચલ મચી ગઈ છે.સત્તાના બેફામ દુરઉપયોગ અને તંત્રને મુઠ્ઠીમાં લઈને ફરતા શાસકો દ્વારા ખુદ પોલીસની હાજરીમાં જ રેલીમાં સામેલ કોંગ્રેસના ઉમેદવાર અને પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવના પુત્ર વિશાલ પર ઢોરની માફક તૂટી પડ્યા હતા.ડાંગો,લાઠીઓ અને અન્ય હથિયારોથી સજ્જ ભાજપના કાર્યકરો દ્વારા નેતાઓના અને સમાજના અગ્રણી અને શહેરના પૂર્વ ટોચના નેતાના ઈશારે ખેલ ખેલાયાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

જેને લઈને પાલિકાના ઈલેક્શન વોર્ડ-૧૬ની રેલીમાં ભાજપના સમર્થકોનો કોંગ્રેસની રેલી પર ર્નિમમ હુમલો કરવામાં આવ્યો હતો.આ હુમલામાં કોંગ્રેસના સંખ્યાબંધ કાર્યકરો ઘવાયા હતા. તેમજ સંસ્કારિતા અને શિસ્તની વાત કરનાર ભાજપના કાર્યકરો દ્વારા તમામ બાબતોને નેવે મૂકીને હદ તો ત્યારે વટાવી હતી.જયારે તેઓએ રેલીની પાછળના ભાગે રહેલ કોંગ્રેસના મહિલા કાર્યકરોના વાહનો પર ચઢી જઈને મહિલાઓની સાથે બિભત્સ વર્તન આચર્યું હતું. ભાજપના કાર્યકરોના આવા બેશરમ કૃત્યને લઈને સંસ્કારીનગરીના નામને લાંછન લાગ્યું છે.

એવા પ્રત્યાઘાત પીડિતોએ આપ્યા હતા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડતા ભાજપની આબરૂનું ધોવાણ થતા નેતાઓ પક્ષની આબરૂ બચાવવાને માટે ડેમેજ કંટ્રોલમાં લાગી ગયા છે. તેમજ ભાજપના કાર્યકરોની આ શરમજનક અને નિંદનીય ઘટનાને લઈને એને વખોડી કાઢીને બચાવની ભૂમિકામાં આવી ગયા છે.પરંતુ ભાજપના ઝંડાઓ અને હાથમાં ડાંગ અને લાકડી જેવા હથિયારો તેમજ હથેળીમાં પંચ પહેરીને ભાજપના કાર્યકરો હુમલો કરી રહયાનો વિડિઓ વાયરલ થતા ખુદ ભાજપને માટે સામી ચૂંટણીએ શરમજનક સ્થિતિ સર્જાવા પામી છે.

કોંગ્રેસના તમામ વોર્ડ પેનલના ઉમેદવારો ભથ્થુભાઈને ત્યાં દોડી ગયા

પાલિકાના તમામ ૧૯ ઈલેક્શન વોર્ડમાં કોંગ્રેસમાંથી ઝંપલાવનાર મોટા ભાગના ઉમેદવારો પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ-ભથ્થુંભાઈની વોર્ડ-૧૬ની રેલી પર ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો છે.એવી માહિતી માલ્ટા તેઓના નિવાસસ્થાને પહોંચી ગયા હતા.જ્યાં ઇજાગ્રસ્તોની પૃચ્છાએ કરીને જાત માહિતી મેળવી હતી.

ભથ્થુના પુત્ર વિશાલ પર ભાજપના કાર્યકરોનું ઝનૂની ટોળું તૂટી પડ્યું

પૂર્વ નિયોજિત કાવતરુ રચવામાં આવ્યું હોય એવી રીતે ભાજપની ઈલેક્શન વોર્ડ-૧૬ની રેલીમાં સામેલ કાર્યકરો દ્વારા રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા અનુસાર કોઈ પૂર્વ ટોચના પાલિકાના નેતાના ઈશારે કોંગ્રેસની રેલી પર હુમલો કરવામાં આવ્યો હતો.આ હુમલામાં ઝનૂની ટોળું કોંગ્રેસના વર્ષોવર્ષથી ભાજપના ૨૫-૨૫ વર્ષના શાસન પહેલાથી ચૂંટાઈ આવતા કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ -ભથ્થુના પુત્ર વિશાલ શ્રીવાસ્તવ પર લાઠી,ડાંગ અને અન્ય હથિયારો સાથે તૂટી પડ્યું હતું.આ તોલાણો માર ખાતા ખાતા વિશાળ માંડ માંડ એની વચ્ચેથી નીકળીને ભાગી શક્યો હતો.કેટલાક કોંગ્રેસના કાર્યકરોએ એની આડશ બનીને બચાવી લીધો હતો.જે વાયરલ થયેલા વિડીઓમાં પણ સ્પષ્ટ જાેઈ શકાય છે.એમ કોંગ્રેસના અગ્રણીઓએ ઉમેર્યું હતું.

પ્રદેશ પ્રભારી, પ્રદેશ પ્રમુખ અને શહેર પ્રમુખ પણ દોડી ગયા

પાલિકાના ઈલેક્શન વોર્ડ-૧૬ના કોંગ્રેસના ઉમેદવારોની રેલી પર ભાજપના ઉમેદવારોના સમર્થકો અને અન્યોએ હુમલો કર્યાની માહિતી માલ્ટા વડોદરામાં ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા, શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલ, આણંદ જિલ્લાના પ્રભારી નિલેશ બ્રહ્મભટ્ટ ઉર્ફે જગો સહિતના અગ્રણીઓ ભથ્થુભાઈના નિવાસસ્થાને પહોંચી ગયા હતા.તેમજ સમગ્ર ઘટના બાબતે જાણકારી મેળવી હતી.આ તમામ માહિતી મેળવ્યા પછીથી પત્રકારો સાથેની વાતચીતમાં નેતાઓએ જણાવ્યું હતું કે, મોંઘવારીના મારથી ત્રાસેલી પ્રજા દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને મળતા પ્રચંડ જન સમર્થનને લઈને ભાજપના પેટમાં તેલ રેડાયું છે.આને કારણે ગમે તે કારણે ઉમેદવારો અને સમર્થકોને ધાકધમકી આપીને ડરાવવાના ખેલ ખેલાય છે.પરંતુ એનો મક્કામતાથી સામનો કરીને કોંગ્રેસ વિજય હાંસલ કરશે એ નિશ્ચિત છે. ભાજપને હુમલો કરવો કે કરાવવો પડે એ એની હતાશાની નિશાની છે.

કોંગ્રેસની રેલી પર હુમલો કરાતાં અધવચ્ચેથી પડતી મુકાઈ

ભાજપના કાર્યકરો દ્વારા ડભોઇ અને વાઘોડિયા રોડના ત્રિભેટે એમ.એમ.વોરાના શો રૂમ સામે કોંગ્રેસની ઈલેક્શન વોર્ડ-૧૬ની રેલી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કોંગ્રેસના અનેક કાર્યકરોને નાનીમોટી ઈજાઓ થઇ હતી.પરંતુ લોકશાહીનું પર્વ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના કાર્યકરો મૌન રહ્યા છે. એમ જણાવી અગ્રણીઓએ ઉમેર્યું હતું કે, આ હુમલાનો જે વિડીયો વાયરલ થયો છે.એમાં ભાજપની રેલીમાં સામેલ કાર્યકરો હુમલો કરતા સ્પષ્ટ જાેઈ શકાય છે.કોંગ્રેસની વિશાળ રેલી જાેઈને ડઘાઈ ગયેલ ભાજપ દ્વારા કાર્યકરોને હતોત્સાહ કરવાનું મોટું ષડયંત્ર હતું.પરંતુ ભાજપના હુમલાથી કાર્યકરોમાં હવે ભાજપ વિરુદ્ધ મહત્તમ મતદાન કરાવવાનો જાેશ વધ્યો છે.આ રેલીને હુમલાને કારણે અધવચ્ચેથી પડતી મુકવામાં આવી હતી.

વોર્ડ નં.૧૬ના ભાજપાના ઉમેદવારે સોગંદનામામાં ખોટી હકીકત જણાવ્યાની રજૂઆત

ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં વોર્ડ નં.૧૬માં ભાજપા અને કોંગ્રેસની રેલીઓ સામ-સામે આવી જતાં કાર્યકરોમાં ઘર્ષણ સર્જાયું હતું. જાે કે, આ ઘટના બાદ કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી એજન્ટે વોર્ડ નં.૧૬ના ભાજપાના ઉમેદવાર નરેશ રબારીએ ઉમેદવારીપત્ર સાથે રજૂ કરેલા સોગંદનામામાં જણાવેલ હકીકતો ખોટી હોવાની રજૂઆત ચૂંટણી અધિકારી સમક્ષ કરી યોગ્ય પગલાં લેવા માગ કરી હતી.વોર્ડ નં.૧૬ના કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવના ચૂંટણી એજન્ટ વિશાલ શ્રીવાસ્તવે કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, ભાજપાના ઉમેદવારે સોગંદનામામાં તેમની સામે કોઈ ફોજદારી ગુના દાખલ કરવામાં આવ્યા નથી કે કોઈ ફોજદારી ગુના અંગેની કાર્યવાહી નામદાર કોર્ટમાં પેન્ડિંગ નથી તેમ જણાવ્યું છે. પરંતુ તેમણે સોગંદનામામાં વાડી પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૫માં નોંધાયેલ એફઆઈઆરનો ઉલ્લેખ કર્યો નથી જેથી સોગંદનામા પર ખોટી માહિતી રજૂ કરી હોવાના આક્ષેપ સાથે ગુનાહિત કૃત્ય બદલ દંડપાત્ર પગલાં લેવા રજૂઆત કરી હતી. જાે કે, ભાજપાના ઉમેદવાર નરેશ રબારીએ કહ્યું હતું કે, રેલી જાેઈને કોંગ્રેસના ઉમેદવાર નવા નૂસકા કરી રહ્યા છે અને ચૂંટણીને બે દિવસ બાકી છે ત્યારે કરાયેલી રજૂઆત તથ્યહિન હોવાનું તેમજ અમે ઉમેદવારીપત્ર સાથે પીસીસી સહિત ડોકયુમેન્ટ આપ્યા હોવાનું જણાવ્યું હતું.