વડોદરા : વયોવૃદ્ધ છતાં રંગીન મિજાજી વકીલે માણેલા વચ્ર્યુઅલ સેક્સના મામલામાં વિઠ્ઠલભાઈ પંડિતની ગોત્રી પોલીસ મથકે હાજર થયા બાદ ધરપકડ કરવામાં આવી હતી. અને મોડી રાત્રે જામીન ઉપર મુકત કર્યો હતો. છેલ્લા ચાર દિવસથી ભારે ચકચાર જગાવનાર અને વકીલાતના વ્યવસાયને બદનામ કરનારા આ કિસ્સામાં બીજી અનેક મહિલાઓ સાથે આ વકીલે વચ્ર્યુઅલ સેક્સ માણ્યું હોવાના રેકોર્ડિંગની ક્લિપો એના ફોનમાંથી મળી આવી હોવાનું બહાર આવ્યું છે. વૃદ્ધ વકિલ જામીન પર છુટયો હોવાની જાણ થતાં ફરિયાદી મહિલા વકીલ સહિત અન્ય સાથી મહિલાઓએ ગોત્રી પોલીસ મથકે પહોંચી હોબાળો મચાવ્યો હતો અને જાનનું જાેખમ હોવાથી પોલીસ રક્ષણની માંગ કરી હતી.

વૃદ્ધ વકીલે મહિલાને ધમકી આપીને વીડિયો કોલિંગ વખતે નગ્ન થવા ફરજ પાડીને તેને રેકોર્ડ કર્યો હતો અને તે વીડિયો વકીલે પત્નીના મોબાઇલથી વાઇરલ કર્યો હતો. જેને પગલે પોલીસે છેડતી, ધમકી આપવા અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તાજેતરમાં વૃદ્ધ વકીલ અને એક મહિલાના નગ્ન અવસ્થામાં અશ્લીલ ચેડાં કરતો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ ગોત્રી પોલીસ મથકમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે ગોત્રી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ૨૦૧૨માં તેઓએ ગ્રેજ્યુએટનો અભ્યાસ શરૂ કર્યો હતો. ત્યાર બાદ ગોત્રી વિસ્તારમાં રહેતા વકીલ તેઓના ઘરે આવતા હતા અને તું એલએલબી કરી લે, હું તને વકીલાત શીખવાડી દઈશ તેમ કહેતા હતા. વૃદ્ધ વકીલના કહેવા મુજબ તેઓએ એલએલબીનો અભ્યાસ શરૂ કર્યો હતો અને વૃદ્ધ વકીલના હાથ નીચે પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેઓ ઘર નજીક રહેતા હોવાથી મહિલાના ઘરે અવારનવાર આવતા હતા અને ઘરે કોઈ ના હોઈ ત્યારે બીભત્સ માગણી કરી શારીરિક અડપલાં કરતા હતા.

મહિલાનો નંબર વકીલ પાસે હોવાથી તેઓ મોડી રાતે વીડિયોકોલ કરતા અને મહિલાના ભાઈ અને પિતાને મારી નાખવાની ધમકી આપી નગ્ન થવાની ફરજ પાડતા હતા. જેથી તેમના કહેવા મુજબ મહિલા કરતી હતી. ત્યાર બાદ મહિલાના લગ્ન થયા હતા, પરંતુ કોઈ કારણસર છૂટાછેડા થયા હતા. ત્યારે જ વૃદ્ધ વકીલે તેમના ઘરે આવી મહિલાના પતિનો નંબર મેળવ્યો હતો અને તેમને એક વીડિયો મોકલ્યો હતો. જે વીડિયો અગાઉનો હોવાનું જાણવા મળતાં મહિલાએ તેમની સમગ્ર વ્યથા પતિ સામે વર્ણવી હતી. મહિલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ૩૫૪(એ) જામીન પાત્ર ગુનો હોવાથી વૃદ્ધ વકિલને મુકત કરાયા હતા.